નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારંભમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત
‘પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’
જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને
‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦ ટકા ગ્રામીણ ઘરોમાં રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નળ જોડાણ ; વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણનું લક્ષ્યાંક
અમૃત યોજના અંતર્ગત રૂ. ૨,૦૦૦ કરોડના ખર્ચે ૧૦૦ ટકા શહેરી વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક
રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવ સમાન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ‘જળ હી જીવન હૈ’ના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો છે. આ એવાર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ધરાતલીય ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજું તેમજ ગુજરાત અને પુડ્ડુચેરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ એ આ એવાર્ડ સ્વીકાર્યો હતો.
રાજ્યમાં સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે ગુજરાતે લીધેલા મહત્વના પગલા
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિશાદર્શનમાં ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન સફળ પ્રકલ્પો હાથ ધર્યા છે. જેમાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૫,૦૦૦થી વધુ જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના વિવિધ કાર્યક્રમો માટે અંદાજે રૂ. ૮૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જળ સિંચાઈ ક્ષમતામાં વધારો કરવા ૨.૮ લાખ હેક્ટર કૃષિ ભૂમિમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જ્યારે PMKSY હેઠળ ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે અંદાજે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. PMKSY તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કરાયેલી પહેલો થકી પાણીના વપરાશમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો અને કૃષિ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જળ ક્ષમતા ટેક્નોલોજી અને ખેડૂત તાલીમ કાર્યક્રમ માટે રૂ. ૦૧ હજાર કરોડનું રોકાણ પણ કરવામાં આવ્યું છે. સ્ટેટ-લેડ પ્રોગ્રામ હેઠળ રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૧,૨૦૦ જેટલા ગામોમાં પાણી વપરાશ સંગઠનો એટલે કે વોટર યૂઝર્સ એસોસિએશનની રચના પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થાપન માટે ‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦ ટકા ગ્રામીણ ઘરોમાં રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નળ જોડાણ આપવામાં આવ્યા છે. જ્યારે, વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણ આપવાનું લક્ષ્યાંક છે. અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) જેવી યોજનાઓ અંતર્ગત રૂ. ૨,૦૦૦ કરોડના ખર્ચે ૧૦૦ ટકા શહેરી વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ કરાવાનો લક્ષ્યાંક છે.
સાથોસાથ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવર-એક્સ્પોઇટેડ ઝોનમાં ૨૦૦ ભૂગર્ભ જળ રિચાર્જ કૂવાઓનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ જળ શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૫૦ કરોડ ખર્ચે અંદાજે ૫૦૦થી વધુ ગામોમાં જળ ગુણવત્તામાં સુધારો થશે.
ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના માધ્યમથી ‘માં નર્મદા’નું પાણી પીવા તથા સિંચાઈ માટે રાજ્યવ્યાપી ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યું છે. આ પહેલ હેઠળ SSNNLની સહાયક કંપની ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની GGRCએ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવી ખેડૂતો માટે પાણીની સુવિધાઓ પૂરી પાડી રહી છે.
આમ, ગુજરાત સમગ્ર દેશમાં જળ સંપત્તિ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. આ પ્રયાસોએ જળ સંરક્ષણ, પુરવઠા વ્યવસ્થાપન અને કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, તેના પરિણામે ગુજરાત રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં મોખરાનું પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં
જણાવાયું છે.