‘દાના’ ચક્રવાત: ઓડિશા, બંગાળમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના
ભુવનેશ્વર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ ‘દાના’ ચક્રવાત સામે ઝઝૂમવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બંને રાજ્યની સરકારોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, જોખમી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવશે. ભારતીય તટરક્ષક દળને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.‘દાના’ ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ જણાવ્યું હતું કે, “પુરી અને પશ્ચિમ બંગાળના સમગ્ર પૂર્વ કિનારાને ચક્રવાતની અસર થશે. બંગાળની ખાડી પરનું ડિપ્રેશન તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે, જે ૨૫ ઓક્ટોબરે પ્રતિ કલાક ૧૦૦-૧૧૦ કિમી.થી ૧૨૦ કિમી. સુધીની ઝડપે પુરી અને સાગર ટાપુ વચ્ચે ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારાને વટાવે તેવી શક્યતા છે.
ઓડિશાના મંત્રીએ જણાવ્યું હતું કે, જોખમી વિસ્તારોમાંથી ખસેડવામાં આવનારા લોકો માટે ૮૦૦ આશ્રય સ્થાન તૈયાર કરાયા છે.”ઓડિશના મંત્રી સુરેશ પુજારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં અધિકારીઓએ દ્વારા લોકો માટે ભોજન, પાણી, દવા, વીજળી અને અન્ય જરૂરી ચીજો તૈયાર રાખવામાં આવી છે.”
‘દાના’ ચક્રવાતને પગલે દક્ષિણ પૂર્વ ઝોનમાંથી પસાર થતી ૧૫૦થી વધુ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, રદ કરાયેલી ટ્રેન્સમાં હાવડા-સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ, કામાખ્યા-યસવંતપુર એસી એક્સપ્રેસ, હાવડા-પુરી શતાબ્દી એક્સપ્રેસ, હાવડા-ભુવનેશ્વર શતાબ્દી એક્સપ્રેસ અને હાવડા-યસવંતપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.SS1MS