અક્ષયની ફિલ્મો નિષ્ફળ જતાં ‘હેરા ફેરી’ અટકી હતી
મુંબઈ, છેલ્લાં ઘણા સમયથી અક્ષય કુમાર એક સફળ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. સૂર્યવંશી બાદ અક્ષયની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ દેખાવ કરી શકી નથી. તેમ છતાં તેને ફિલ્મોની ઓફર પણ મળી રહી છે અને તે સતત વ્યસ્ત પણ રહે છે.
આ નિષ્ફળતાઓની તેની પર બહુ અસર થતી નથી, તેનું કારણ એ છે કે અક્ષય પહેલાં પણ આ પ્રકારની ચડતી-પડતી જોઈ ચૂક્યો છે. ખાસ તો જ્યારે અક્ષય ખિલાડી કુમારથી ઓળખાતો એ ૯૦ના દાયકામાં એક તબક્કો એવો આવેલો કે ઇન્ડસ્ટ્રીના લોકોને અક્ષય કુમાર પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો.
તેના કારણે તેની ફિલ્મો અધવચ્ચે અટકી જતી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ મેકર સુનીલ દર્શને દાવો કર્યાે છે કે એ સમયે કોઈને અક્ષય સાથે કામ કરવું નહોતું. એ સમયે સુનીલે અક્ષય સાથે ‘જાનવર’ ફિલ્મ કરીને એક જોખમ ખેડ્યું હતું. સુનિલે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,“અક્ષયમાં કશુંક ખાસ છે.
મેં અક્ષયને સાઇન કર્યાે અને કહ્યું કે માત્ર મારી શરતો પર જ કામ થશે. મેં કરિશ્માને સાઇન કરી અને તેની સાથે સ્પષ્ટતા પણ કરી કે બે પ્રોબ્લેમ થશે. પહેલું, તને બીજા લોકો પાસેથી મળતા હશે એટલા પૈસા હું આપી શકીશ નહીં. બીજું, અક્ષય કુમાર હિરો હશે. તેણે કહ્યું કોઈ વાંધો નહીં, તમારી કંપની એ અમારી કંપની છે. તેની માતા બબિતાએ પણ કહ્યું કે અમને તમારી સાથે કામ કરવું ગમશે.
”સુનિલ માને છે કે એ અક્ષયની કારકિર્દીનો નબળો તબક્કો હતો. “કોઈ ડિસ્ટ્રીબ્યુટર એની ફિલ્મને હાથ લગાડવા માગતા નહોતા. અક્ષય મારી પાસે આવ્યો અને એની આંખોમાં આસું આવી ગયાં હતાં. તેણે મને કહ્યું કે તેણે અમુક પ્રોડ્યુસર્સને પૂછ્યું કે કે તેઓ તેની ફિલ્મના બેનર કેમ નથી મુકતાં, તો તમણે જવાબ આપ્યો હતો કે તારી ઔકાત નથી કે તારી ફિલ્મનું બેનર લગાવીએ.
એનો નર્વસ ચહેરો જોઈને હું પણ નર્વસ થઈ ગયો. મેં જુહુમાં અક્ષયનો જ ચહેરો હોય એવું સૌથી મોટું બેનર લગાવ્યું. મને વિશ્વાસ હતો કે જે વ્યક્તિ બધા માટે ભારરૂપ બની ગયો હતો તે મારા માટે સૌથી મોટી તાકાત બની જશે.”સુનિલે કહ્યું કે ‘જાનવર’ ઘણા શહેરોમાં બહુ ચાલી, ઘણા થિએટરમાં તો ૧૦૦ દિવસ ચાલી, બિહારમાં ઘણી સફળ રહી હતી. તો એક પાર્ટીમાં યશ જોહરે મને કહ્યું હતું કે જો બિહારમાં કોઈ લાલુ યાદવને હરાવી શકે તો એ તું છે.SS1MS