Western Times News

Gujarati News

ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કુલ ર૪ અબજ ડોલરને સ્પર્શી જશે

દિવાળીની ખરીદીનાં સમીકરણો બદલાઈ ગયાં છે

દિવાળીની સિઝનમાં ૬ થી ૭ લાખ ટેમ્પરરી જોબ ઊભી થાય છે, ડિલિવરી સ્ટાફની ડિમાન્ડમાં ઉછાળો

દશેરાનો દિવસ પસાર થતાં જ દિવાળીના તહેવારોની ખરીદી શરૂ થઈ જાય છે. સંવત ર૦૮૧ના નવા વર્ષની ખરીદીની મોસમને બોનસનું બુસ્ટ મળતું હોય છે. સરકારી ઓફિસોમાં બોનસની નિશ્ચિત તારીખ હોય છે અને કર્મચારીઓના ખાતામાં તે સીધું જ જમા થઈ જતું હોય છે. કોર્પોરેટ કંપનીઓમાં હવે તેની ચુકવણી થશે, જયારે ખાનગી કંપનીઓમાં દિવાળીના આગલા દિવસોમાં બોનસ ચુકવાતું હોય છે. લોકોના હાથમાં બોનસ આવતા જ એમને દિવાળીનું શોપિંગ કરવાની ચાનક ચડે છે.તહેવારોના દિવસો આથિક તંત્રના પૈડા વેગવંતા બનાવે છે. દિવાળીને હવે માંડ ૧૦ દિવસની વાર છે. ર૮મી તારીખે અગિયારસ છે. ત્યાર બાદ દિવાળીનું વેકેશન શરૂ થશે.

દિવાળીના તહેવારો લાભ પાંચમ સુધી ચાલશે. આમ તો ગઈ ૧૯ ઓગસ્ટે રક્ષાબંધનથી જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ હતી. તહેવારોની આ મોસમ અને ખરીદી વચ્ચે ગાઢ સંબંધ છે. આ મોસમ ઠેઠ વર્ષના અંતે ક્રિસમસ અને થર્ટીફર્સ્ટ ડિસેમ્બર સુધી ચાલશે.ઈ-કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ છેલ્લા એક મહિનાથી વિવિધ સ્કીમો મૂકીને બેઠી છે. નવા કપડાં, મીઠાઈ, ફરસાણ, ગિફટ પેકેટ, ફટાકડા, મોબાઈલ વગેરેની ધૂમ ખરીદી થાય છે તેમ છતાં બજારના વર્તુળો કહે છે કે આ વખતે હજુ સુધી દિવાળીની ખરીદી ખુલી નથી. ઈ-કોમર્સ વેબસાઈટસ પર ઘરાકી ખુલી ગઈ છે, પરંતુ બજારોમાં દિવાળીના સેલના પાટિયા લગાવીને બેઠેલા વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે.દિવાળીના શોપિંગની ખાસિયત એ હોય છે કે દુકાનોમાં ઓફલાઈન મળતી વિવિધ રેન્જની કેટલીય ચીજો ઓનલાઈન ઉપલબ્ધ હોતી નથી.

ઓનલાઈન ખરીદીમાં શોપિંગનો ખરો આનંદ મળતો નથી. દુકાનોની કતાર વચ્ચે જામેલી ભીડમાંથી પસાર થઈને વસ્તુઓને સ્પર્શીને- પરખીને ખરીદી કરવાનો અને ભાવ માટે રકઝક વગેરેનો આનંદ અનેરો હોય છે !દિવાળીના તહેવારોની સિઝનમાં ઈલેકટ્રોનિક ઉપકરણો, ખાસ કરીને મોબાઈલ અને ટેબ્લેટના વેચાણમાં ઉછાળો આવે છે. તહેવારોની મોસમ દરમ્યાન છૂટક જોબની તકો પણ ઉભી થાય છે. એક અંદાજ પ્રમાણે દિવાળીના તહેવારોમાં ટેમ્પરરી વર્ક માટેની ૬ થી ૭ લાખ જોબ દેશભરમાં ઉભી થઈ શકે છે.

કહે છે કે સર્વિસ સેકટરની જોબ્સમાં પણ ૧પ થી ર૦ ટકાનો વધારો જોવા મળતો હોય છે. ક્રેડિટ કાર્ડ અને તહેવારો માટે વિશેષ લોન આપતી બેંકો પણ ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તહેવારોના છેલ્લા દિવસોમાં ડિલીવરી માટે દોડધામ કરી શકતા સ્ટાફની ડિમાન્ડ ઉભી થાય છે.આ વખતની દિવાળીની ખરીદી પર આર્થિક ક્ષેત્રની તેજીની અસર વધુ જોવા મળશે. લોકોનું ઓનલાઈન શોપિંગ વધ્યું છે. ઓનલાઈન ફેસ્ટિવલ સેલ ૧ર અબજ ડોલરનો આંકડો વટાવી શકે છે. જેટલું ઓનલાઈન સેલ છે એટલું જ દુકાનોમાં વેચાતા માલનું વેચાણ હશે એમ મનાય છે. ગયા વર્ષે ઓનલાઈન સેલ ૯.૭ અબજ ડોલરનું હતું Âક્વક કોમર્સ આ વખતે ઓનલાઈન સેલમાં વધારો કરી શકે છે.

ઓનલાઈન શોપિંગનો કોન્સેપ્ટ લોકોએ ખુલ્લા દિલે સ્વીકારી લીધો છે. નવી પેઢી ઓનલાઈન ખરીદી પર વળી ગઈ છે. અલબત્ત, દિવાળીના તહેવારોમાં ઘરની જરૂરિયાતોની ચીજો ખરીદવા લોકો ઓનલાઈન કરતાં નજીકના સ્ટોર્સ કે બજારો પર વધારે મદાર રાખે છે. ઉદાહરણ તરીકે ઘર વપરાશમાં લેવાતી ચાદરો કે ઓશીકાંના કવરો ઓનલાઈન કરતા બજારમાં રુબરુ ખરીદવાનું લોકો વધારે પસંદ કરે છે. આ પ્રકારની ચીજો ખરીદનારાઓની ભીડ હજુબજારોમાં જોવા મળી નથી. કરિયાણા સ્ટોર્સ પર ઈ- કોમર્સનો પ્રભાવ પડી શકે છે,

પરંતુ તે મોટા શહેરોમાં, ગામડામાં અને નાના સેન્ટરોમાં તો આજે પણ કરિયાણાની દુકાનોનું જ પ્રભુત્વ છે.ઈ-કોમર્સ ક્ષેત્રે વર્તમાન દિવાળીના તહેવારોમાં વધુને વધુ વેચાણ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરી છે. તહેવારોની આ મોસમ પછી ઓનલાઈન વેબસાઈટસી પર લગ્નની સિઝનની ખરીદી જોવા મળી શકે છે. દિવાળીના તહેવારોની ખરીદી પાછળ લોકો છૂટથી પૈસો વાપરતા હોવાનું દેખાઈ આવે છે.દિવાળીના તહેવારોની ખરીદીનો અંદાજ બજારોમાં જોવા મળતી ભીડ પરથી લગાવવામાં આવે છે. જોકે હવે ઈ-કોમર્સનો પ્રભાવ વધ્યા પછી ખરીદીના સમીકરણો બદલાઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.