Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 270 જેટલી ફ્લાઈટ્‌સ ઓપરેટ થાય છે

અમદાવાદ દેશનું સાતમા નંબરનું વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું-દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઇટ ચાલે છે. ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઇટ મુવમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ૨૭૦ જેટલી ફ્લાઈટ્‌સ ઓપરેટ થાય છે.

વર્ષ ૨૦૨૪ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ૬૦ લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. જેમાંથી ૫૦ લાખ મુસાફરોએ ઘરેલુ મુસાફરી કરી છે જ્યારે ૧૦ લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે. જેમાં દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ છે.

દિલ્હી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જ્યાં દર ૧.૫ મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થાય છે. અહીં દરરોજ ૧૧૦૦ થી વધુ ફ્લાઈટ્‌સ ચાલે છે અને મુંબઈ એરપોર્ટ બીજા સ્થાને છે, ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા છે. તે પછી ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ એટલે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાતમા નંબરે આવે છે.

જ્યાં આ વર્ષના છેલ્લા છ મહિનામાં દર ૫.૩૩ મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થઈ છે. વર્ષ ૨૦૨૪માં અમદાવાદ એરપોર્ટ પરથી એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ૪૮૦૦૦થી વધુ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરવામાં આવી છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં ફ્લાઇટ મુવમેન્ટમાં ૮ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ૨૭૦ જેટલી ફ્લાઈટ્‌સ ઓપરેટ થાય છે.

જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૨૦ થી ૨૩૦ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા પછી અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યા પછી, અમદાવાદ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે પસંદગીનું એરપોર્ટ બની ગયું છે.

જેના કારણે અનેક નવી કનેક્ટિવિટી પણ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે કારણ કે મુસાફરોને સીધી કનેક્ટિવિટી પણ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.