વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી કોલ સેન્ટર ચલાવતો હતો
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. મહત્વનું છે કે, કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનનાં કિસ્સાઓની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકીને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ સનસનીખેજ ખુલાસો થયો છે. ગોધરાકાંડમાં સજા પામેલો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સેન્ટર’ ચલાવતો હતો.
આ અંગે પોલીસનાં જણાવ્યા પ્રમાણે, વડોદરા સેન્ટ્રલ જેલમાં મળી આવેલા મોબાઇલ ફોનનાં પ્રકરણમાં હવાલદાર સમીઉલ્લાહ પઠાણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા, સાજીદ અરબ અને તૌફિકમિયા મલેક સામે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ મોબાઇલ ગોધરાથી આવેલા સોએબ અબ્દુલ રજાક સમોલ (રહે.મુસ્લિમ સોસાયટી, વેજલપુર, ગોધરા)એ પહોંચાડયો હોવાની વિગતો ખૂલતાં ગોધરામાં તપાસ કરી સોએબની ધરપકડ કરી છે.
આ ઉપરાંત અન્ય એક ઘટસ્ફોટ થયો છે.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં દોષીત ઠરેલાં અપરાધીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા હતા. જેમાં ગોધરાનો રહેવાસી ૪૫ વર્ષનો સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દાનો પણ સમાવેશ થાય છે. કેદીઓ પાસેનાં મોબાઈલ ફોન અંગે જેલ સુરક્ષા કર્મીઓ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર.ની તપાસમાં કોઇ ઘટસ્ફોટ થયો ન હતો. જે બાદ આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં અનેક ખુલાસાઓ થયા હતાં. ક્રાઈમ બ્રાન્ચનાં સત્તાવાર સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે, ગોધરાકાંડના આરોપી સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા પાસે ૨૧ મોબાઈલ છે. આ અંગે તપાસ કરાતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે જેલમાં એસ.ટી.ડી. પી.સી.ઓ. ચલાવતો હતો. થોડા સમય પહેલાં જ પોલીસે જેલમાંથી કાર્યરત ૨૪ સીમકાર્ડ રદ કરવા માટે જિઓ કંપનીને જાણ કરી હતી.