ભારત અને ચીનના સંબંધો વૈશ્વિક શાંતિ માટે જરૂરીઃ મોદી
મોદી અને જિનપિંગ વચ્ચે યોજાયેલી મિટિંગ
(એજન્સી)કઝાન, રશિયાના કઝાનમાં બ્રિક્સ સમીટ બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું સીમા પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી અમારી પ્રાથમિકતા રહેવી જોઈએ. ૫ વર્ષ પછી અમારી મુલાકાત થઈ છે.
વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના મતભેદો વધુ ઘેરા બન્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. હવે બંને દેશો સબંધોમાં આવેલી ખાટાશને દૂર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
જિનપિંગ સાથે મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને ચીનના સંબંધો વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે. દુનિયા માટે આપણાં સંબંધો મહત્વના છે. શાંતિ અને સ્થિરતા આપણી પ્રાથમિકતા છે. આપણે ખુલ્લા મનથી વાત કરીશું. એકબીજા પર ભરોસો સંબંધોનો આધાર બને. એકબીજાનું સન્માન થવું જોઈએ. બોર્ડર પર સહમતિનું સ્વાગત છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પરસ્પર વિશ્વાસ, સન્માન અને પરસ્પર સંવેદનશીલતા એ આપણા રાજદ્વારી સંબંધોના પાયાના પથ્થરો હોવા જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને કહ્યું કે, અમે સરહદ સમજૂતીનું સ્વાગત કરીએ છીએ. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોના મહત્ત્વનો સ્વીકાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે પાંચ વર્ષ બાદ ઔપચારિક બેઠક કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ભારત-ચીન સંબંધો માત્ર આપણા લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. બેઠક દરમિયાન, બંને નેતાઓ સહમત થયા કે ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે વિશેષ પ્રતિનિધિ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સંવાદિતાના સંચાલનની દેખરેખ કરશે.
આ મુદ્દાનો ન્યાયી, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે આપણે જલદીથી બેઠક કરીશું. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બે પડોશીઓ અને વિશ્વના બે સૌથી મોટા રાષ્ટ્રો તરીકે ભારત અને ચીન વચ્ચે સ્થિર, પૂર્વાનુમાનિત અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરશે. તે મલ્ટિપોલર એશિયા અને મલ્ટિપોલર વર્લ્ડમાં પણ યોગદાન આપશે.