યુદ્ધનો ઉકેલ સંવાદ, મુત્સદ્દીગીરીથી લાવવા વડાપ્રધાન મોદીની હાકલ
ત્રાસવાદ મુદ્દે બેવડા ધોરણોને કોઈ સ્થાન નથી
બ્રિક્સ નેતાઓ આતંકવાદી જોખમોને રોકવા અને તેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે
કઝાન, રશિયાના કઝાનમાં ૧૬મી બ્રિક્સ સમિટને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે યુદ્ધ નહીં, પરંતુ સંવાદ અને મુત્સદ્દીગીરીની ફરી હાકલ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોએ વિશ્વને સંદેશ આપવો જોઈએ કે તે કોઈ વિભાજનકારી નહીં, પરંતુ માનવતાના હિતમાં કામ કરતું સંગઠન છે.
યુદ્ધો, આર્થિક અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન અને આતંકવાદ જેવા પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે હું માનું છું કે એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક વૈશ્વિક મંચ તરીકે બ્રિક્સ વિશ્વને યોગ્ય માર્ગે લઈ જવા માટે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. અમે સંવાદ અને મુત્સદ્દીગીરીને ટેકો આપીએ છીએ, યુદ્ધને નહીં. વડાપ્રધાને આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસોની તરફેણ કરતાં જણાવ્યું હતું કે આ ખતરા સામે લડવામાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ.
આતંકવાદ અને ટેરર ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે, આપણે મક્કમ પ્રયાસો કરવાની જરૂર છે.આપણે આપણા દેશોમાં યુવાનોને કટ્ટરપંથી બનતા રોકવા માટે સક્રિય પગલાં લેવાની જરૂર છે. ભારત બ્રિક્સમાં ભાગીદાર દેશો તરીકે નવા દેશોનું સ્વાગત કરવા ભારત તૈયાર છે. ઇજિપ્ત, ઇરાન, ઇથોપિયા અને યુનાઇટેડ આરબ અમિરાત બ્રિક્સના નવા સભ્ય દેશો બનવા માગે છે.યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત દર્શાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણે યુએન સિક્યુરિટી કાઉન્સિલ, બહુપક્ષીય ડેવલપમેન્ટલ બેંકો અને ડબલ્યુટીઓ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર સમયબદ્ધ રીતે આગળ વધવું જોઈએ.
વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી બુધવારે ભારત આવવા રવાના થયાં હતાં.આતંકવાદને સમગ્ર વિશ્વ માટે ખતરો ગણાવીને બ્રિક્સ નેતાઓએ આતંકવાદી વિચારધારાના ફેલાવાને, આતંકવાદી હેતુઓ માટે આધુનિક ટેકનોલોજીના દુરુપયોગને, આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ અને ટેરર ફાઇનાન્સને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ૧૬મી બ્રિક્સ સમિટ પછી સંયુક્ત ઘોષણપત્રમાં જણાવાયું હતું કે અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે આતંકવાદ એક સામાન્ય ખતરો છે, જેના માટે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને પ્રાદેશિક સ્તરે વ્યાપક અને સંતુલિત અભિગમની જરૂર છે. બ્રિક્સ નેતાઓ આતંકવાદી જોખમોને રોકવા અને તેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે.