ટ્રેનમાં બોગસ સિઝન ટિકિટ સાથે પકડાયેલા દિવ્યાંગને બે વર્ષની સજા
સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છેઃ કોર્ટ
પાલઘરના હિતેશ કીકાણીને કોર્ટે સજા ફટ કરી, આ સમાજ ઉપર અસર કરતો ગુનો છેઃ કોર્ટ
સુરત,કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં બોગસ સિઝન ટિકિટ સાથે મુસાફરી કરતી વેળા પકડાયેલા પાલઘરના દિવ્યાંગ આરોપીને સુરત કોર્ટે કસુરવાર ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ કેસની વિગત એવી છે કે, ગત તારીખ ૧૮-૩- ૨૦૧૭ના રોજ સવારે કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસના કોચ નંબર છમાં ટીસી(ટિકિટ ચેકર) દ્વારા મુસાફરોની રેલવે ટિકીટની તપાસ કરવામાં આવી રહી હતી. તે વખતે ભિલાડ સ્ટેશન પસાર થયા બાદ ટીસીએ બોગસ સિઝન ટિકિટ સાથે મફત મુસાફરી કરતા હિતેશ લાલજી કીકાણી (રહે. બોઈસર ડ્રીમ સિટી, ધાનાણી નગર, પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો.
રેલવે પોલીસે તેની સામે બોગસ દસ્તાવેજની કલમ હેઠળ સહિતનો ગુનો નોંધ્યો હતો. આ ગુના માટે ન્યાયિક કાર્યવાહી સુરતની રેલવે કોર્ટમાં ચાલી હતી. સુરત રેલવે કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ માર્ટીન પરમારે આરોપીને સજા કરવા દલીલો કરી હતી. બચાવ પક્ષના વકીલે પણ દલીલો કરી હતી કે, આરોપી પાસે આવો કોઈ પાસ મળ્યો નથી. ફરિયાદીને ગુજરાતી ભાષા આવડતી નથી, તેમ છતાં ફરિયાદ ગુજરાતીમાં છે, તેથી ફરિયાદ બીજા કોઈએ લખી છે, ફરિયાદી ઉલટ તપાસમાં સ્વીકારે છે કે, સારી કામગીરી માટે એવોર્ડ મળે છે અને પ્રમોશન બઢતીમાં તે મદદરૂપ થાય છે. એ જોતા આ ખોટી ફરિયાદ કરી છે.
ઝડતી અને જપ્તી પણ આ કામે કરી નથી એટલે નિર્દાેષ ઠેરવવામાં આવે. બચાવમાં એવી પણ દલીલ કરાઈ હતી કે, આરોપીના તાજેતરમાં લગ્ન થયા છે. જો તેને પ્રોબેશન નહીં આપવાના નિર્ણય કરાય તો અન્યાય થશે અને આરોપી પોતે દિવ્યાંગ છે. બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ(રેલવે કોર્ટે)ના જજ પંકજ રાઠોડે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યાે છે. આ ગુનો સમાજ ઉપર અસર કરતો ગુનો છે. જો પ્રોબેશન આપવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જશે. તેને પ્રોબેશન ઉપર મુક્ત કરવો ઉચિત નથી લાગતુ. આરોપી દ્વારા કરવામાં આવેલા કૃત્યથી સમાજ ઉપર પડતી અસર પણ ધ્યાને લેવી જરૂરી બને છે.ss1