ડ્રગ્સ મામલે 50થી વધુ પાન પાર્લરો અને ટી સ્ટોલ પર ક્રાઈમ બ્રાન્ચની તપાસ
(એજન્સી)અમદાવાદ, શહેરના યંગસ્ટર ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટડી સમાન બની શકે છે. માતા-પિતાની જાણ બહાર યુવાઓ ડ્રગ્સ એડિક્ટ બની ગયા છે અને ધીમે ધીમે તેમના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓ રૂપિયા કવાવાની લાયમાં યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે.
શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ૧૬૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓની ફોજ હવે સ્પેશિયલ ડયુટી કરશે. શહેરના પાન પાર્લર, ચાની કીટલી સહિતની જગ્યાઓ પર જ્યાં યંગસ્ટર બેસતા હોય ત્યાં જઈને સ્પેશિયલ ટીમ ચેકિંગ કરશે.
ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર આસપાસ આવેલા પ૦ વધુ પાન પાર્લર પર ચેકિંગ હાથ ધર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી ખરેખર વખાણવાલાયક છે અને આવનારા દિવસોમાં શહેર ડ્રગ્સમુક્ત થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે.
ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતમાં ડ્રગ્સનું પ્રોડકશન ચાલુ કરી દીધું છે. જેનો પર્દાફાશ થોડા દિવસ પહેલાં ભરૂચ અને સુરત પોલીસે અંકલેશ્વરમાં કર્યો છે. ચારેકોર ડ્રગ્સની બોલબાલા વધી જતાં એજન્સીઓએ તેને નેસ્તનાબૂદ કરવા માટેનો સ્પેશિયલ પ્લાન બનાવી દીધો છે. ડ્રગ્સની પડીકીઓનો વેચનાર પેડલર્સને ઝડપી પાડવા માટે પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે.
ડ્રગ્સની પડીકીઓનો વેચનાર પેડલર્સને ઝડપી પાડવા માટે પોલીસે ખાસ અભિયાન હાથ શરૂ કર્યું છે. ડ્રગ્સના કારોબારની મોટી માછલીઓ ઉપર તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સકંજો કસી લીધો છે ત્યારે હવે નાની માછલીઓને પણ ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
નાની માછલીઓ પાનના ગલ્લા, ચાની કીટલી તેમજ જાહેર રસ્તા પર ડ્રગ્સનો ધંધો ચલાવતા હોય છે. કોઈ પણ નશેડી જ્યારે ડ્રગ્સ લેવા માટે આવે ત્યારે તે પેડલર્સને ઈશારો કરે છે. નશેડીના ઈશારા પર પેડલર્સ ડ્રગ્સની પુડી આપી દેતા હોય છે. પાન પાર્લર અને ચાની કીટલીઓ પેડલર્સનો ગઢ હોવાના કારણે હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી પાડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે.
મોડી રાત્રે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત યુનિ. વિસ્તારમાં આવેલા પાન પાર્લર તેમજ ટી સ્ટોલ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.પટેલની આગેવાનીમાં પ૦થી વધુ પાન પાર્લર ચેક કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ બાદ હવે ડ્રગ્સ માફિયાઓનો ટાર્ગેટ ગુજરાત હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં રોજબરોજ હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે. ડ્રગ્સ માફિયાઓને જડમૂડથી ખતમ કરવા માટે પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે અને તેમાં જોઈએ તેવી સફળતા પણ મળે છે.
કેટલાક માફિયા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ડ્રગ્સ ગુજરાતમાં મોકલાવતા હતા પરંતુ એટીએસ અને કોસ્ટગાર્ડની સતર્કતાના કારણે અનેક વખત ડ્રગ્સના મોટા મોટા કન્સાઈનમેન્ટ ઝડપાઈ ચૂકયા છે. આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ અનેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ આવ્યો છે જેનો પણ પર્દાફાશ થયો છે.