અમદાવાદ પોલીસનો તોડકાંડ, ક્રિપ્ટો કરન્સીના સોદામાં ૨૫ લાખ ચાંઉ કર્યા
અમદાવાદ, અમદાવાદ પોલીસનો વઘુ એક તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ક્રિપ્ટો કરન્સીનો એક સોદો થયો અને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં ૨૦ લાખ રૂપિયાનું ચૂકવણું થાય ત્યાં ઝોન-૧ સ્કવોડ પોલીસ પહોંચી હતી. આ ૨૦ લાખ રૂપિયા પોલીસે ચાંઉ કર્યાના આક્ષેપ સાથે રજૂઆત કરાતાં પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યાં છે.
ક્રિપ્ટો કરન્સીનો સોદો કરનાર અશોક નામનો શખ્સ અને પોલીસે પાંચ લાખ તેની પાસેથી લીધાનું રહસ્ય પણ ઘેરાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મહિના પહેલાં નવરંગપુરામાં જ તોડ અંગે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં હતાં. હવે, ઝોન-૧ સ્કવોડ સામે આક્ષેપો થયાં છે.
અમદાવાદના અશોક નામના એક શખ્સે છેલ્લા એક-દોઢ વર્ષથી સુદર્શનભાઈ નામના વેપારી સાથે મિત્રતા કેળવી હતી. ૫૦ લાખના રોકાણ સામે અઠવાડિયામાં જ ૬૦ લાખ કમાવાની લાલચ આપી ચૂકેલો અશોકે હવે યુ.એસ.ડી.ટી. એટલે કે ક્રિપ્ટો કરન્સીની લાલચ આપી હતી. એક વ્યક્તિને પૈસાની જરૂરત હોવાથી ૩૦ લાખની ક્રિપ્ટો કરન્સી ૨૦ લાખમાં વેચવાની હોવાની વાત કરાઈ હતી.
સુદર્શનભાઈએ પોતાના વોલેટમાં યુ.એસ.ડી.ટી. આવે તે પછી જ ૨૦ લાખ આપશે તેવી વાત કરી હતી. વસ્ત્રાપુર મોલ પાસે મુલાકાત કર્યા પછી પૈસાની ચૂકવણી કરવા માટે સુદર્શનભાઈને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં લવાયાં હતાં. વોલેટમાં ક્રિપ્ટો કરન્સી આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યાં મયૂર, અમીત સહિતના પોલીસ કર્મચારીઓ આવ્યાં હતાં.
આંગડિયા પેઢીથી ૨૦ લાખ રૂપિયા સાથે સુદર્શનભાઈ અને અશોકને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જવાયાં હતાં. ઝોન-૧ સ્કવોડની ઓફિસમાં પીએસઆઈ જેવા દેખાતાં એક અધિકારી પાસે બન્નેને ૨૦ લાખ રૂપિયા સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. કંઈક અજૂગતું થશે તેવી આશંકાથી સુદર્શનભાઈએ પોતાના ઓળખિતાઓને ફોન કર્યા હતા.