Western Times News

Gujarati News

ક્રિકેટર ડેવિડ વોર્નર પરથી હટ્યો આજીવન પ્રતિબંધ

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો શાનદાર ઓપનિંગ બેટર ડેવિડ વોર્નરે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના એક નિર્ણયથી મોટી રાહત મળી છે.

વર્ષ ૨૦૧૮માં દક્ષિણ આળિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરને ‘સેન્ડ પેપર’ કૌભાંડમાં સામેલ હોવાને લીધે તેના પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે દેશની કોઈપણ ટીમની કેપ્ટનશીપ કરવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેના પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.

હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય બાદ આગામી બિગ બેશ લીગની સિઝનમાં સિડની થંડર ટીમનો હિસ્સો રહેલા ડેવિડ વોર્નર હવે કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળી શકશે.

વોર્નર અંગે બોર્ડે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આચાર પંચે જેમાં ત્રણ સભ્યોની પેનલનો સમાવેશ થાય છે તેમણે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે વોર્નર ૨૦૨૨માં આચાર સંહિતામાં થયેલા ફેરફારો બાદ તેના પર પ્રતિબંધ હટાવવા માટે જરૂરી માપદંડોને પૂરા કરે છે.’

પેનલે આ નિર્ણય ડેવિડ વોર્નરની ભૂલની કબૂલાત અને ત્યારપછી તેના વર્તનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને લીધો છે.જ્યારે ડેવિડ વોર્નર ‘સેન્ડ પેપર’ કૌભાંડમાં સામેલ હતો. ત્યારે તેની સાથે સ્ટીવ સ્મિથ પણ આ સમગ્ર મામલામાં સામેલ હતો.

બંને પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક-એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય સ્ટીવ સ્મિથ પર ૨ વર્ષ માટે કેપ્ટન બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જ્યારે વોર્નર પર ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ટીમના કેપ્ટન બનાવવા પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વોર્નર તેના એક વર્ષના પ્રતિબંધના અંત પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યાે ત્યારે તે સતત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી કેપ્ટનશીપ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં ૬ વર્ષના લાંબા સમય બાદ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને મોટી રાહત આપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.