કન્યા કેળવણી અંતર્ગત વિનામૂલ્યે બસ પાસ સુવિધા ખુબજ વરદાન રૂપ સાબિત થઈ
વડોદરા જિલ્લામાં બાર વર્ષમાં ૨.૮૦ લાખ વિદ્યાર્થિનીઓને મળી એસટીમાં મફત મુસાફરીની સુવિધા
(માહિતી)વડોદરા, મારા માતાપિતાએ મને ૯૦ કિ.મી. દૂર અભ્યાસ કરવા માટે જવા દેવાની મંજૂરી તો આપી પણ મને વિનામૂલ્યે કોલેજ સુધી પહોંચાડીને મારા અભ્યાસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારે નિભાવી છે – રાજ્યની એક દીકરી નિરાલી પરમારના આ ઉદગારો છે. જો કે નિરાલી આ લાગણી વ્યક્ત કરનારી એકમાત્ર દીકરી નથી.
ભણતર માટે રાજ્ય સરકારે આપેલી વિનામૂલ્યે બસ પાસની સુવિધાનો લાભ લઈને ઉચ્ચ અભ્યાસ કરનારી વડોદરા જિલ્લાની ૨.૮૦ લાખ કરતા વધુ દીકરીઓ આવી જ લાગણી અનુભવી રહી છે. આ દીકરીઓ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં રહેતી હોવા છતાં મુખ્યમંત્રી તરીકે જે તે સમયે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પિતૃ વત્સલતા થી મફત બસ પ્રવાસની મળેલી સુવિધા ના જોરે ઉચ્ચ શિક્ષણ મેળવી શકી છે.
આ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવા માટે કન્યા કેળવણી અંતર્ગત વિનામૂલ્યે બસ પાસ સુવિધા ખુબજ વરદાન રૂપ સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૨ માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કન્યા કેળવણીને નવા આયામે પહોંચાડતું આ નોંધપાત્ર પગલું લીધું હતું. વડોદરા જિલ્લામાં વિદ્યાર્થી મફત બસ પાસ સેવા થકી વર્ષ ૨૦૧૨ થી આજ દિન સુધી ૨. ૮૦ લાખ કરતા પણ વધુ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ છે,
તેનું શ્રેય હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આગળ ભણવું છે પણ પરંતુ ગામમાં ધોરણ-૮ સુધીની જ શાળા છે, ઉચ્ચ અભ્યાસ માટે નજીક ના શહેરની નામાંકીત કોલેજમાં જવું છે પરંતુ બસમાં રોજ ટિકિટ લેવા માટે પૈસા નથી, માતાપિતા ભણાવવા માટે પરવાનગી આપે છે પરંતુ આર્થિક ભીંસના લીધે ઉચ્ચ અભ્યાસ માટે દૂર ન મોકલી શકવા માટે વ્યથિત છે,
અમારા ઘર નજીક કોઈ શાળા કે કોલેજ નથી એટલા માટે આગળ ભણવું શક્ય નથી…! આ બધા જ વાકયો છેલ્લા ૧૨ વર્ષમાં ભૂતકાળ બની ગયા છે. અચરજ થાય છે ને કે દીકરીઓ ફક્ત રોજ સ્કુલ કે કાલેજ જવા માટે ભાડાંના પૈસા ક્યાંથી આવશે એવા નજીવા કારણના લીધે માધ્યમિક થી સ્નાતક-અનુસ્નાતક શિક્ષણ મેળવવાના સ્વપ્નને ત્યજી દેતી હતી !? કેવી હતી આ અસહ્ય મજબૂરી!
અને કેટલી અપાર સંવેદના આ મુશ્કેલી હલ કરી ભણાવનાર રાજ્ય વાલી જેવા નરેન્દ્રભાઇની! તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના દરેક નાના નાના અને અંતરિયાળ ગામડામાં રહેતી દીકરીઓની વ્યથાને ખુબજ સારી રીતે પારખી લીધી હતી. વાહન વ્યવહાર માટે ભાડું નથી
ફક્ત તેના માટે રાજ્યની દીકરીઓ શિક્ષણ નથી મેળવી રહી એ વાત તેમના માટે અસહ્ય બની હતી. તેના પરિણામરૂપે વર્ષ ૨૦૧૨માં કન્યા કેળવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચ અભ્યાસ વાંચ્છુક તમામ દીકરીઓને ભણવા માટે મફત બસ પાસ સેવાની ભેટ આપવામાં આવી હતી.