Western Times News

Gujarati News

ફેકટરી સંચાલક દંપતીના 50 વર્ષે છૂટાછેડાઃ પતિને પત્નિએ 47 લાખ ભરણપોષણ આપ્યું

પ્રતિકાત્મક

ર૦૦૯થી અલગ રહેતા પતિએ ૩ વર્ષથી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી

વડોદરા, વૃદ્ધ થયા બાદ શહેરના ફેકટરી સંચાલક દંપતી વચ્ચે મતભેદો થતાં છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે અને ૭૯ વર્ષીય પતિને ૭૧ વર્ષીય પત્નીએ ૪૭ લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવ્યા છે.

ઓટો સ્પેર પાટ્‌ર્સ ઉત્પાદનની ફેકટરી ધરાવતા દંપતીએ લગ્ન જીવનના પ૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ છૂટા થવાના લીધેલા નિર્ણય પાછળ અનેક કારણો છે એમ ફેમિલી કોર્ટમાં પરસ્પર સમજૂતીથી છૂટાછેડાની થયેલી પિટિશનમં જણાવ્યું છે જેમાં મોટી ઉંમર છતાં દંપતી વચ્ચે નૈતિકતાના મુદ્દે જુદા જુદા મંતવ્યો હતા જેના કારણે મોટા મતભેદો લાંબા સમયથી હતા.

કર્ણાટકના બેંગ્લોરમાં રહેતા જાણીતા ગુજરાતી પરિવારના પુત્રના પ૦ વર્ષ અગાઉ લગ્ન થયા હતા ત્યાર બાદ દંપતીએ વડોદરામાં ઓટો પાર્ટસના ઉત્પાદનનો વ્યવસાય કરવાનું નક્કી કરી પત્નીના નામે ફેકટરી શરૂ કરી હતી અને પત્ની જ ફેકટરીનું સંચાલન કરતી હતી. લગ્ન જીવન દરમિયાન દંપતીને બે પુત્રીઓ પણ થઈ હતી અને પતિ વડોદરાથી બેંગ્લોર વચ્ચે ધંધાના કામે જતો હતો અને લાંબો સમય રોકાતો હતો. એ દરમિયાન બન્ને વચ્ચે મતભેદો સર્જાયા હતા.

ર૦૦૯થી પતિ પત્ની અલગ રહેતા હતા. ત્રણ વર્ષ અગાઉ પતિએ અત્રેની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી જેમાં પત્નીએ સંમતિ હતી પરંતુ ફેકટરીમાં ભાગીદારી હોવાથી વહેચણી અંગે વિવાદ થયો હતો. બન્ને વચ્ચે સમાધાનમાં પ્રયત્નો કર્યા હતા પરંતુ એ નિષ્ફળ રહ્યા હતા.

અંતે ફેકટરીમાંથી ભાગ છોડી દેવાના અને ભરણપોષણ તથા તમામ જંગમ અને સ્થાવર મિલકતો ઉપર અધિકાર છોડી દેવા માટે ૪૭ લાખ રૂપિયા આપવા પત્ની તૈયાર થઈ હતી અને પતિએ પણ એ લઈ છૂટાછેડા લેવા સંમતિ આપી હતી જેને લઈ ફેમિલી કોર્ટે પિટિશન સ્વીકાર કરી છે અને લાંબા સમયથી જુદા રહેત હોવાથી ઝડપથી કોર્ટ છૂટાછેડાનું હુકમનામું કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.