Western Times News

Gujarati News

ગાંધીનગર પાસેથી પસાર થતી નદીના કોતરોનું રી-મોડેલિંગ કરી રિવરફ્રન્ટ જેવા બનાવાશે

Riverfront Ahmedabad Gujarat

પ્રતિકાત્મક

પશુઓના અંતિમ સંસ્કાર માટે સેકટર-૩૦ અંતિમ ધામમાં નવી ભઠ્ઠી બનશે

ગાંધીનગર, સાબરમતી નદીના તટે વિકસેલા પાટનગર સુધી અમદાવાદ રિવરફ્રન્ટને લંબાવવાની જાહેરાત અગાઉ થયેલી છે. રિવરફ્રન્ટમાંથી પ્રેરણા લઈને ગાંધીનગર મ્યુનિ. તંત્ર દ્વારા નદી કિનારે આવેલા કોતરોનું રીમોડેલિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો લાભ નથી મળવાનો તેવા વિસ્તારમાં કોતરોનું યોગ્ય રીતે પુરાણ કરી માટી ધસી પડવાના બનાવ રોકવા અને સમગ્ર વિસ્તારનું બ્યુટિફિકેશન કરવા નિર્ણય લેવાયો છે.

મ્યુનિ.ની સ્થાયી સમિતીએ નદીના સામા છેડે આવેલા પાલજ ગામના કોતરોના રીમોડેલિંગ માટે રૂ.૧૩.ર૯ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાના ટેન્ડરને મંજુરી આપી છે. પાલજ ગામમાં અગાઉ માટી ધસી પડવાની ઘટનાના કારણે મકાનોને ક્ષતિ પહોંચી હતી અને અકસ્માત સર્જાયા હતા. આઈઆઈટી ગાંધીનગરનું કેમ્પસ પણ પાલજ ગામની હદમાં આવેલું છે. વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાને શોભે તેવા વિસ્તારને વિકસાવવા તથા પાલજમાં માટી ધસી પડવાની ઘટના રોકવા કોતરોના રીમોડેલિંગનો નિર્ણય લેવાયો છે.

સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, રીમોડેલિંગની કામગીરીમાં કોતરોનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવશે. ખાસ કરીને જે જગ્ય્‌એ માટી ધસવાની શકયતા છે ત્યાં પુરાણ થશે, જેથી વરસાદ સમયે અકસ્માતનું જોખમ રહે નહી. આ ઉપરાંત કોતરોમાં નવીન ગાર્ડન, વોક અને રીફ્રેશમેન્ટ માટેની જગ્યા બનાવવામાં આવશે. પાલજના કોતરો નગરનું નવું નજરાણું બની રહે તેવા હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં કોઈ સ્થળે પશુનું મોત થાય તો તેના અંતિમ સંસ્કાર માટેની કોઈ સુવિધા નથી, જેના કારણે મૃતદેહના નિકાલમાં સમસ્યા તકલીફ ઉભી થાય છે. આ સમસ્યા દૂર કરવા ગાંધીનગર મ્યુનિ. દ્વારા પશુઓના અંતિમ સંસ્કાર માટે ભઠ્ઠી બનાવવાનો નિર્ણય લેવાયો છે. ભઠ્ઠીના નિર્માણ ઉપરાંત પાંચ વર્ષ સુધી સંચાલન-મેન્ટેનન્સ માટે એજન્સીને રૂ.૯.૧પ કરોડ ચૂકવવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે.

પોર, અંબાપુર, સરગાસણ, કુડાસણ, રાંદેસણ અને રાયસણમાં આંગણવાડીઓના રીનોવેશન માટે પસંદ થયેલી એજન્સીને સમયમર્યાદામાં કામ પુરું કર્યું ન હતું અને મંજૂર ટેન્ડર કરતા વધુ ખર્ચ થયો હતો જેથી આ એજન્સીના એકસેસ બિલ પેટે રૂ.૬૮.૪૬ લાખ મંજૂર કરવા તથા ત્રણ મહિનાની મુદત વધારી આપવાનો નિર્ણય સ્થાયી સમિતીએ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.