Western Times News

Gujarati News

પોલીસ ગમે ત્યારે કોઈને હાથકડી પહેરાવી ન શકેઃ ગુજરાત પોલીસે બહાર પાડી SoP

હાથકડી પહેરાવવા માટે અમુક ચોકકસ કિસ્સાઓમાં કોર્ટની પૂર્વ મંજૂરી લેવી જરૂરી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત પોલીસ દ્વારા હાથકડી પહેરાવવા અંગે એક સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસીજર એસઓપી બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સીઆઈડી ક્રાઈમ અને રેલવેએ એક પરીપત્ર જારી કરીને એસઓપી જારી કરી છે જે અનુસાર પોલીસને પાલન કરવાની સુચના આપવામાં આવી છે. જે એસઓપી મુજબ ગમે તે આરોપીની હાથકડી પહેરાવી શકાતી નથી. ઉપરાંત હાથકડી પહેરાવવા માટે અમુક ચોકકસ કિસ્સાઓમાં કોર્ટની પુર્વ મંજુરી લેવી પણ જરૂરી છે.

ક્રિમીનલ પ્રોસીજર કોડ એટલે કે સીઆરપીસીમાં હાથકડીનો ઉપયોગ માટે કોઈ એસઓપી જ ન હતી. ત્યારે સીઆઈડી દ્વારા આ પરીપત્ર ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા બીએનએસએસ અનુસાર જાહેર કરવામાં આવ્યો છે. ઓકટોબર-૧૯ના રોજ જારી કરાયેલા પરીપત્ર મુજબ સુપ્રીમ કોર્ટે અગાઉ હાથકડીના ઉપયોગને નિયંત્રીત કરવા માટેના વિવિધ ચુકાદાઓમાં નિર્દેશો જારી કર્યા હતા.

જેમાં જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓને વ્યકિતને હાથકડી લગાવતા પહેલા કોર્ટની પરવાનગી લેવી આવશ્યક છે. પરીપત્રમાં ટાંકવામાં આવ્યું છે. કે ગંભીર ગુનાની શ્રેણીમાં વ્યકિતને હાથકડી લગાવવાની પરવાનગી ધરપકડના સમયે અને કોર્ટમાં રજુ કરવાના સમયે આપી શકાય છે.

જો કોઈ આરોપીને તબીબી તપાસ માટે હથીયારોની પુનઃપ્રાપ્તિ માટે અથવા ગુનામાં વપરાયેલી ચોરીની મીલકત અથવા ગુનાના સ્થળે લઈ જવા માટે હાથકડી લગાવવાની જરૂર હોય તો તે કોર્ટનો આદેશ મેળવ્યા પછી જ કરી શકાય છે.

જો અમેક બિમારીઓ ધરાવતી વ્યકિતઓ માટે હાથકડી પહેરવી જોખમી હોય તો સામાન્ય રીતે તેમના સ્વાસ્થ્યયને અને સલામતીના અધિકારનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે તેને ટાળવું જોઈએ. પોલીસ અધિકારી એવી વ્યકિતની ધરપકડ કરતી વખતે અથવા કોર્ટમાં રજુ કરતી વખતે હાથકડીનો ઉપયોગ કરી શકે છે. જે રીઢો ગુનેગાર હોય, કસ્ટડીમાંથી ભાગી ગયો હોય,

સંગઠીત અપરાધ આચરતો હોય, આતંકવાદી ડ્રગ-સંબંધીત ગુનાઓ ગેરકાયદેસર હથીયારો અને દારૂગોળો રાખવા, હત્યા બળાત્કાર, એસીડ એટેક નકલી ચલણ, માનવ તસ્કરીના ગુનાઓ, બાળકો સામેના જાતીય ગુનાઓ અથવા રાજય સામેના ગુનાઓ આચરનાર શખ્સને હાથકડી પહેરાવી શકાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.