Western Times News

Gujarati News

ફરી ભાજપથી નારાજ થયા નીતિશ કુમાર !

નવી દિલ્હી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે એનડીએની બેઠક બોલાવી છે. બિહારમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી વચ્ચે નીતિશ કુમાર આ બેઠક બોલાવીને ભાજપને પોતાની નારાજગીના સ્પષ્ટ સંકેતો આપવા જઇ રહ્યા છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા એનડીએની બેઠકો બોલાવાઇ હતી જેમાં નીતિશ ગેરહાજર રહ્યા હતા. હવે ખુદ નીતિશે જ બેઠક બોલાવીને આશ્ચર્ય સર્જ્યું છે.

એવા અહેવાલો છે કે નીતિશ કુમાર ભાજપને ભીંંસમાં લઇ શકે છે. અરરિયાના ભાજપના સાંસદ પ્રદીપસિંહ દ્વારા અપાયેલા નિવેદનથી નીતિશ કુમાર નારાજ છે. જ્યારે ભાજપના નેતા ગિરિરાજસિંહે હિન્દુ સ્વાભિમાન યાત્રાની જાહેરાત કરી છે જેનાથી પણ નીતિશ કુમાર અને તેમનો પક્ષ ખુશ નથી જણાતા કેમ કે જદ(યુ)ને ડર છે કે ભાજપના નેતાઓના ભડકાઉ નિવેદનોથી પક્ષને નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જદ(યુ)ને ભાજપે માત્ર બે જ બેઠકો આપી છે. જ્યારે નીતિશને ૧૧ બેઠકોની આશા હતી. બેઠકોની જાહેરાત સમયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જદ(યુ)ના ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા.

આવા અનેક મુદ્દે નીતિશ કુમાર ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે. ૨૮મીએ નીતિશ કુમારે એનડીએની બેઠક બોલાવી છે જે બાદ અલગ રૂમમાં જદ(યુ)ના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવશે.

નીતિશ કુમાર આ બેઠકમાં ભાજપના નેતાઓને વિવાદિત નિવેદનો આપતા અટકાવવાનો પ્રયાસ કરશે સાથે જ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નીતિશ કુમારે જ્યારે પણ બેઠક બોલાવી છે ત્યારે કોઇ મોટી જાહેરાત થતી જોવા મળી છે.

આ બેઠકમાં પણ કઇક નવા જુની થવાની શક્યતાઓ છે. નીતિશ કુમાર એનડીએમાં પોતાનુ કદ મોટુ હોવાનો અહેસાસ પણ ભાજપના નેતાઓને કરાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.