ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સથી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે
:-વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી:-
Ø ચોક્કસ યોજના અને ભાગીદારીની શક્યતાઓ વધારીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કરી છે
Ø ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે
Ø જેમ જેમ આપણે લક્ષ્યાંક તરફ આગળ વધીએ છીએ, તેમ-તેમ લક્ષ્યાંક તરફ જવાનો માર્ગ આપોઆપ ઊભો થાય છે
C-295 એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે, તેનાથી ભારત – સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે – સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C – 295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ‘નાં અભિયાનને વેગ મળશે.
આ સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતે દસ વર્ષ અગાઉ નક્કર પગલાં લઈ ડિફેન્સ ઉત્પાદન વધારવા એક લક્ષ સાથે નવા પથ પર ચાલવાનું નક્કી કર્યું જેનું પરિણામ આજે આપના સૌની સમક્ષ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્દઘાટન કર્યું હતું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રીશ્રી એસ.જયશંકર, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે ફાઈનલ એસેમ્બલી લાઈન પ્રોસેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશનની મુલાકાત લઈ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ મેક ઈન ઈન્ડિયા એરબસ સી – ૨૯૫ના ભાવિ મંચ અને તકોની ઝાંખી નિહાળી એરક્રાફટના વિવિધ સ્કેલ મોડેલ અને વોલ પોસ્ટર અને ભારતીય વાયુ સેનામાં સામેલ એરક્રાફટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.
વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઇડિયાથી લઈને દેશમાં કોઈ પણ પ્રોજેક્ટનાં અમલીકરણ સુધીની ભારતની ઝડપ અહીં જોઈ શકાશે. ઓક્ટોબર, ૨૦૨૨માં ફેક્ટરીના શિલાન્યાસને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સુવિધા હવે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયાર છે.
પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં બિનજરૂરી વિલંબ દૂર કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વડોદરામાં બોમ્બાર્ડિયર ટ્રેન કોચ ઉત્પાદન એકમની સ્થાપનાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, ફેક્ટરી ઉત્પાદન માટે વિક્રમજનક સમયમાં તૈયાર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચની આજે અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.” શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અહીં નિર્મિત એરક્રાફ્ટની નિકાસ પણ કરવામાં આવશે.
પ્રસિદ્ધ સ્પેનિશ કવિ એન્ટોનિયો મચાડોને ટાંકીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, જેમ જેમ આપણે લક્ષ્યાંક તરફ આગળ વધીએ છીએ, તેમ-તેમ લક્ષ્યાંક તરફ જવાનો માર્ગ આપોઆપ ઊભો થાય છે. ભારતની સંરક્ષણ ઉત્પાદન પ્રણાલી આજે નવી ટોચ પર પહોંચી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એક દાયકા અગાઉ સંરક્ષણ ઉત્પાદનની પ્રાથમિકતા અને ઓળખ આયાતને લગતી હતી અને કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે ભારતમાં આટલા મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન થઈ શકે છે., સરકારે નવા માર્ગે ચાલવાનો, ભારત માટે નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો નિર્ણય લીધો છે, જેનાં પરિણામો આજે પણ સ્પષ્ટ છે. તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કેવી રીતે ચોક્કસ યોજના અને ભાગીદારી શક્યતાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે, તેનું ઉદાહરણ પૂરું પાડે છે. વ્યૂહાત્મક નિર્ણયોએ છેલ્લા એક દાયકામાં ભારતમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો છે. આપણે સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારી છે, જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ બનાવ્યા છે, ઓર્ડનન્સ ફેક્ટરીઓનું પુનર્ગઠન કરીને સાત મોટી કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે તથા ડીઆરડીઓ અને એચએએલને સશક્ત બનાવ્યા છે.
તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરની સ્થાપનાથી આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આઇડીઇએક્સ (ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ) યોજનાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષમાં આશરે એક હજાર ડિફેન્સ સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને વેગ આપ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં એક દાયકામાં ભારતની સંરક્ષણ નિકાસમાં ત્રીસ ગણો વધારો થયો છે, અત્યારે દેશ ૧૦૦ થી વધારે દેશોમાં ઉપકરણોની નિકાસ કરે છે.
વડાપ્રધાનશ્રીએ સ્કિલિંગ અને રોજગાર સર્જન પર ભાર મૂકતા કહ્યું કે, એરબસ-ટાટા ફેક્ટરી જેવા પ્રોજેક્ટો હજારો રોજગારીનું સર્જન કરશે. આ ફેક્ટરી ૧૮ હજાર એરક્રાફ્ટ પાર્ટ્સનાં સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે વિપુલ તકોનું નિર્માણ કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, તેઓ આજના કાર્યક્રમને પરિવહન એરક્રાફ્ટના ઉત્પાદનથી પણ આગળ જોઈ રહ્યા છે. છેલ્લાં એક દાયકામાં ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન થયું છે. દેશનાં સેંકડો નાનાં શહેરોને હવાઈ જોડાણ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેની સાથે-સાથે ભારતને ઉડ્ડયન અને એમઆરઓ ક્ષેત્રનું કેન્દ્ર બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા નાગરિક વિમાનો માટે માર્ગ પણ મોકળો કરશે.
વિવિધ ભારતીય એરલાઇન્સે ૧૨૦૦ નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હોવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ભારત અને દુનિયાની જરૂરિયાતો પૂર્ણ કરવા નાગરિક વિમાનોની ડિઝાઇનિંગથી માંડીને તેનું ઉત્પાદન કરવા સુધી મુખ્ય ભૂમિકા ભજવશે.
વડોદરા શહેર એમએસએમઇનું ગઢ છે, તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ શહેર ભારતનાં આ પ્રયાસોમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ શહેરમાં ગતિશક્તિ યુનિવર્સિટી પણ છે, જે ભારતનાં વિવિધ ક્ષેત્રો માટે વ્યાવસાયિકોને તૈયાર કરી રહી છે. વડોદરામાં ફાર્મા ક્ષેત્ર, એન્જિનીયરિંગ અને હેવી મશીનરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પાવર એન્ડ એનર્જી ઇક્વિપમેન્ટ જેવા અનેક ક્ષેત્રો સાથે સંબંધિત ઘણી કંપનીઓ છે. હવે આ સંપૂર્ણ ક્ષેત્ર ભારતમાં ઉડ્ડયન ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. શ્રી મોદીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સંપૂર્ણ ટીમને તેમની આધુનિક ઔદ્યોગિક નીતિઓ અને નિર્ણયો બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરાએ ભારતનું મહત્વનું સાંસ્કૃતિક શહેર પણ છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ સ્પેનથી આવેલા તમામ મિત્રોને આવકારતા આનંદની લાગણી અનુભવે છે. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, “ભારત અને સ્પેન વચ્ચે સાંસ્કૃતિક જોડાણનું આગવું મહત્વ છે. ફાધર કાર્લોસ વાલેસ સ્પેનથી આવીને ગુજરાતમાં સ્થાયી થયા હતા અને તેમણે તેમના જીવનના પચાસ વર્ષ વિતાવ્યા હતા. ફાધર વાલેસે તેમના વિચારો અને લખાણોથી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ બનાવી છે. ભારત સરકારે તેમના આ મહાન પ્રદાન બદલ તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
શ્રી મોદીએ કહ્યું કે, સ્પેનમાં પણ યોગ ખૂબ જ લોકપ્રિય છે અને સ્પેનિશ ફૂટબોલને પણ ભારતમાં પસંદ કરવામાં આવે છે. ગઈકાલે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના ક્લબ વચ્ચે યોજાયેલી ફૂટબોલની ભારતમાં પણ ચર્ચા થઇ હતી. બંને ક્લબના ચાહકોનો ઉત્સાહ ભારતમાં પણ એટલો જ છે જેટલો તે સ્પેનમાં છે. ભારત અને સ્પેન વચ્ચે ફૂડ, ફિલ્મ અને ફૂટબોલ થકી નાગરિકો પરસ્પર જોડાયા છે. શ્રી મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, ભારત અને સ્પેને વર્ષ ૨૦૨૬ને ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને એઆઇ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.
આજના કાર્યક્રમથી ભારત અને સ્પેન વચ્ચે સંયુક્ત સહયોગની ઘણી નવી પરિયોજનાઓને પ્રેરણા મળશે. તેમણે સ્પેનના ઉદ્યોગ જગત અને નવીન સંશોધનકારોને આમંત્રણ આપ્યું હતું અને તેમને ભારત આવવા અને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
:-સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ:-
સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રસંશા કરવાની સાથે જણાવ્યું કે, સી ૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે.આ પ્રોજેક્ટથી ભારત – સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે. ભવિષ્યમાં ભારતને ટેકનોલોજી ટ્રાન્સફરનો સંકેત આપતા તેમણે જણાવ્યું કે આ ઔધોગિક સહયોગ ઇજનેરો અને ટેકનિશીયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ એમએસએમઇના વિકાસને વેગ આપશે.
મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખૂબ અગત્યના ગણાવતા સ્પેનના પ્રધાનમંત્રી એ જણાવ્યું કે અમારા દેશમાં ૯૯ ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે.
ભારત-સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે મારા માટે આ ખૂબ સન્માનની વાત છે. આ પ્રોજેક્ટ ભારતના એરો સ્પેસ ઉદ્યોગની પ્રગતિનું પ્રતિક છે અને વિકાસના નવા દ્વાર ખુલશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનાવ્યું છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે ભારત-સ્પેન દાયકાઓથી એકબીજાના વિશ્વસનીય મિત્ર રહ્યા છે. આ પ્રોજેક્ટથી ઔધોગિક સંબંધોની મજબૂતીને નવો આયામ મળ્યો છે. તાતા ઉદ્યોગ સમૂહને તેમને મહારથીઓમાં મહારથી ગણાવીને પ્રસંશા કરી હતી. ગુજરાતના વિવિધતાસભર ઔધોગિક વિકાસનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પ્રારંભે ટાટા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરે સૌને આવકાર્યા હતા અને એરબસ ડિફેન્સ સ્પેસના સીઇઓ શ્રી માઇકલે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી સી.આર.પાટીલ, ભારત અને સ્પેનના રાજદૂતો, રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.