Western Times News

Gujarati News

લિફટમાં ફેંટો તથા લાતોથી ચાર મહિલાઓએ મારામારી કરી

ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફટમાં મારામારી કરી

અમદાવાદ, ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઈટ્‌સમાં રહેતા રહીશો લિફટમાં બેસવા મામલે બાખડયા જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ચાલુ લિફટમાં મહિલાઓએ મારામારી કરતાં સોલા પોલીસે સામસામે ગુનો દાખલ કર્યો છે. લિફટમાં નહીં આવવાના મામલે પહેલાં સામસામે ગાળાગાળી થયા બાદ ચાલુ લિફટમાં ફેંટો તથા લાતોથી હુમલો કરવામાં આવ્યો હતો.

ચાર મહિલાઓએ સામસામે હુમલો કરતાં સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પરંતુ એક યુવતીએ લિફટ ખરાબ હોવાનું કહીને માતા-પુત્રીને રોકયા હતા. જેના કારણે મામલો બીચકયો હતો.

ઓગણજ રોડ પર આવેલી વીર સાવરકર હાઈટ્‌સમાં રહેતા રીના સથવારાએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા, દેવાંશી જાદવ, પાયલ જાદવ અને દીપકસિંગ જાદવ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. રીના સથવારા તેના પરિવાર સાથે આઠ મહિનાથી દેવભૂમિ દ્વારા ખાતે ભાડાના મકાનમાં રહે છે. રીનાની માતાને બ્લડપ્રેશરની બીમારી હોવાથી તે છેલ્લા આઠ મહિનાથી પિયરમાં રહેવા માટે આવી છે.

ગઈકાલે રીના પોતાની માતાને લઈને વેજલપુર ખાતે આવેલા ડૉક્ટર પાસે સારવાર કરાવવા માટે ગઈ હતી. રીના સારવાર કરાવીને પરત તેની માતાને ઘરે આવી હતી. રીનાની માતા વીર સાવરકર હાઈટના દસમા માળે રહે છે જેથી બન્ને લિફટમાં બેસવા માટે ગયા હતા.

લિફટમાં પહેલેથી વીર સાવરકર હાઈટના આઠમા માળે રહેતા પ્રિયંકા જાદવ, પાયલ અને દીપકસિંહ હતા. ત્રણેય જણા રીનાને કહેવા લાગ્યા હતા કે લિફટની અંદર જગ્યા નથી અંદર આવતા નહીં. આ લિફટ તમારા બાપની નથી. ત્રણેના શબ્દો સાંભળીને રીનાએ કહ્યું કે મારા અવસાન પામેલા બાપ સામે કેમ બોલે છે. રીનાની વાત સાંભળીને ત્રણેય જણાએ તેની માતાને પણ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.

ચાલુ લિફટમાં પ્રિયંકા સહિતના લોકોએ રીના અને તેની માતાની સાથે મારામારી કરી હતી. ચાલુ લિફટમાં મારામારી થતાં વીર સાવરકર હાઈટસમાં રહેતા અન્ય રહીશો પણ આવી ગયા હતા. તો બીજી તરફ પ્રિયંકા જાદવ પણ સોલા પોલીસ સ્ટેશનમાં રીના અને તેની માતા મણિબહેન વિરૂદ્ધ ફરિયાદ કરી છે. પ્રિયંકા, તેની બહેન દેવાંશી અને દીપકસિંગ ગઈ કાલે ખરીદી કરીને પોતાના ઘર પર આવ્યા હતા.

તેઓ લિફટમાં બેઠા હતા ત્યારે રીના અને તેની માતા પણ લિફટમાં આવી ગયા હતા. લિફટમાં આવતાની સાથે જ પ્રિયંકાએ રીનાને કહ્યું કે, લિફટ ખરાબ છે એટલે તમે પછીથી આવો. લિફટમાં છ વ્યક્તિઓ બેસી શકે તેવું બોર્ડ માર્યું હોવાથી રીનાએ પ્રિયંકાને જવાબ આપ્યો હતો તું કેમ આટલી બધી હોશિયારી વાપરે છે, આ લિફટમાં તો છ લોકોની પરમિશન છે.

દીપકસિંગે ઝઘડો ન કરવાનું કહેતા રીના અને તેની માતા ઉશ્કેરાયા હતા અને ચાલુ લિફટમાં પ્રિયંકા અને દેવાંશી પર હુમલો કરી દીધો હતો. ચાલુ લિફટમાં બન્ને પક્ષના લોકોએ સામસામે મારા મારી કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સોલા પોલીસે રીના સથવારાની ફરિયાદના આધારે પ્રિયંકા સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે જારે પ્રિયંકા જાદવની ફરિયાદના આધારે રીના અને તેની માતા વિરદ્ધ ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.