દેવી સિન્થેટીક મામલે AMCની સાથે સાથે GPCB પણ બેદરકાર રહયુ
સલ્ફ્યુરીક એસીડ સ્ટોરેજનું લાયસન્સ દેવી સિન્થેટિક પાસે નથીઃ કોંગ્રેસ
નારોલ ગેસ ગળતર દુર્ઘટનામાં ફેકટરી માલિક સામે ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારમાં રવિવારે થયેલી ગેસ ગળતરની ઘટના મામલે પોલીસે ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે બે આરોપી પૈકી કંપની માલિક વિનોદ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે.
જ્યારે અન્ય આરોપીની મંગલસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચોંકાવનારી બાબત એવી પણ બહાર આવી છે કે ફેકટરી પાસે હેઝાર્ડ વેસ્ટની પરમિશન તેમજ અન્ય જરૂરી લાયસન્સ પણ નહતા તેમજ આ મામલે ફેકટરી માલિકની મનમાની સામે સક્ષમ સતા ઘ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે.
રવિવારે ૨૭મી ઓક્ટોબરના રોજ નારોલ વિસ્તારની દેવી સિન્થેટિક ટેક્સટાઈલ કંપનીમાં કેમિકલ ખાલી કરતા સમયે ગેસ ગળતરની ઘટના બની હતી. જેના કારણે ૯ જેટલા શ્રમિકોને અસર પહોંચી હતી. જેમાં બે શ્રમિકોને ગંભીર અસર થવાના કારણે મોત થયા હતા. અન્ય લોકો ગંભીર રીતે ગેસ ગળતરની અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે આ ઘટના સલ્ફ્યુરીક એસીડનું ટેકર ખાલી કરતી વખતે કોસ્ટીંગ સોડા સાથે ભળી જતા કેમીકલ રીએક્શન આવતા બની હતી. સલ્ફ્યુરીક એસીડ હેઝાર્ડ વેસ્ટની કેટેગરીમાં આવે છે અને જો હેઝાર્ડ વેસ્ટનો ઉપયોગ કરવો હોય તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રૂલ્સ-૯ મુજબની મંજુરી મેળવવાની હોય છે
સાથે સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ ખાતાની એસીડ સ્ટોરેજનું લાયસન્સ મેળવવાનું હોય છે. દેવી સીન્થ્રેટીક પાસે કોઈપણ પ્રકારની રૂલ્સ-૯ મુજબની મંજુરી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આ કંપનીએ એસીડ સ્ટોરેજનું કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું નથી. જો બન્ને પ્રકારના લાયસન્સ આ કંપની પાસે ના હોય તો કંપની આ જોખમી પ્રકારના એસીડનો ઉપયોગ કેવી રીતે કરતી હતી ?
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના હેલ્થ વિભાગે તા. ૨/૮/૨૦૨૪ના રોજ આ કંપનીને શો ક્રોઝ નોટીસ આપી હતી ત્યારે કંપનીએ પોતાના લેટરપેડ ઉપર તા. ૩/૮/૨૦૨૪ના રોજ ખોટો જવાબ હેલ્થ ખાતાને કરેલ હતો. જેમાં એમણે સ્પષ્ટ જણાવેલ હતું કે, અમારી પાસે હેઝાર્ડ વેસ્ટનું સર્ટીફીકેટ છે. હેલ્થનું એસીડ સ્ટોરેજનું લાયસન્સ છે. આજ હેલ્થ ખાતામાં સેફ એન્વાયરમેન્ટ પ્રા.લી. નામની કંપનીનો હેઝાર્ડ વેસ્ટ બાબતે થયેલો કરાર જેનો સર્ટીફીકેટ નંબર ૧૦૨૮૨૮ છે.
જેની મર્યાદા તા. ૫/૭/૨૦૨૧ થી ૫/૭/૨૦૨૬ સુધીની છે. જો આ કંપની પાસે હેઝાર્ડ વેસ્ટની પરમીશન ના હોય જી.પી.સી.બી.ના જવાબ પ્રમાણે તો આ ખોટા પત્રો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને કરવાનું કારણ કયું હોઈ શકે ? અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પરવાના નં. ૪૧/૨૦૨૪-૨૫ થી આ કંપનીને પ્રોસેસ બાબતનું એક લાયસન્સ આપવામાં આવ્યું છે. એ લાયસન્સમાં એસીડ સ્ટોરેજના લાયસન્સનો કોઈ ઉલ્લેખ નથી.
તો શું અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતાને જાણ ન હતી કે આ કંપની પાસે એસીડ સ્ટોરેજનું લાયસન્સ નથી ? ચાર મહિનાથી આ કંપનીના વિરોધમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા લેખિત ફરિયાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતામાં કરવામાં આવતી હતી. પરંતુ આ બન્ને ખાતા દ્વારા આ કંપનીમાં કોઈજાતની કાર્યવાહી કરવામાં ન આવી
અને બહુ સ્પષ્ટ પણે જી.પી.સી.બી.ના અધિકારી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાના અધિકારીઓ જાણતા હતા કે આ કંપની પાસે સલ્ફ્યુરીક એસીડનું વપરાશ કરવા માટેના કોઈપણ જાતના પરવાના નથી અને જે પુરાવા કોર્પોરેશનમાં રજુ કર્યાં છે તે સંપૂર્ણપણે ખોટા છે.
તેમ છતાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આદરી આંખઆડાકાન કરી લોકોના જીવ જાય ત્યાં સુધી રાહ જોઈ અને કોઈ કાર્યવાહી કરી નહી જ્યારે ઘટના બની ગઈ અને લોકોના મૃત્યુ થયા ત્યારબાદ થયેલા આંદોલને અને લોકવિરોધ થયા બાદ તા. ૨૮/૧૦/૨૦૨૪ ના આઉટવર્ડ નંબર ૮૨૫૬૩૪ થી આ કંપનીને રૂલ્સ-૯ ની મંજુરી ન હોઈ ક્લોઝર નોટીસ આપેલ છે અને રૂ. ૨૫,૦૦,૦૦૦/- (પચ્ચીસ લાખ રૂપિયા) નો દંડ કર્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દેવી સિન્થેટીકમાં આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ બાબતે હજી સુધી કોઈ જ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય અગાઉ ગુપ્તા સિન્થેટીક અને મહાલક્ષ્મી ટેકસટાઈલ દ્વારા પણ જાહેરમાં કેમીકલયુક્ત પાણી છોડવામાં આવતા હોવાની ફરિયાદો થઈ હતી અને તંત્ર દ્વારા સીલ પણ કરવામાં આવ્યા હતાં પરંતુ આ બધુ માત્ર પેપર જ રહ્યુ અને ગણતરીના દિવસોમાં જ બંને ફેકટરીઓના સીલ ખોલવામાં આવ્યા હતા. દેવી સિન્થેટીક મામલે મ્યુનિ. કોર્પોરેશનની સાથે સાથે જીપીસીબી પણ બેદરકાર રહયુ છે. બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં જીપીસીબી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોઈ જ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.