દેશમાં ધનતેરસના દિવસે ૨૦ હજાર કરોડનું સોનું વેચાયું
(એજન્સી)નવી દિલ્હી, ધનતેરસ પર સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે લોકોને આશા હતી કે ધનતેરસ પર સોનાના ભાવમાં ઘટાડો થશે પરંતુ તેમ થયું નથી. જોકે, ચાંદીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ધનતેરસ પર અન્ય બજારોમાં ઉત્તેજના જોવા મળી હતી.
સોના-ચાંદી ઉપરાંત વાહનો, ઈલેક્ટ્રોનિક સાધનો, વાસણો, કપડાં સહિતની અન્ય ચીજવસ્તુઓની સારી ખરીદ-વેચાણ થઈ હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, આ વર્ષે ધનતેરસના અવસર પર ૬૦ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે.
જ્યારે ગયા વર્ષે ટર્નઓવર ૫૦ હજાર કરોડ રૂપિયા હતું જે ૨૦ ટકા વધુ છે.ભાવમાં વધારો થવા છતાં આ ધનતેરસમાં સોના અને ચાંદીનું સારું વેચાણ થયું છે. દેશભરમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનું સોનું અને ૨૫૦૦ કરોડ રૂપિયાની ચાંદીની ખરીદી કરવામાં આવી હતી.