Western Times News

Gujarati News

બ્રિટનમાં નવી સરકારના બજેટમાં પ્રજા પર ૫૦ અબજ ડોલર ટેક્સ વધારો ઝિંકાયો

લંડન, થોડા સમય પહેલાં બ્રિટનમાં ચૂંટાયેલી લેબર પાર્ટીની સરકાર ટેક્સમાં મોટો વધારો ઝીંક્યો છે. બ્રિટિશ ટ્રેઝરી ચીફ રેચેલ રીવ્સે બુધવારે જણાવ્યું હતું કે, પબ્લિક ફાઇનાન્સની ઘટ પૂરી કરવા તેમજ રોકાણ પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં ૫૨ અબજ ડોલર (૪૦ અબજ પાઉન્ડ)નો વધારો કરવામાં આવ્યો છે.

લેબર પાર્ટીએ ૧૪ વર્ષમાં પહેલી વખત સરકાર બનાવી છે ત્યારે રીવ્સે જણાવ્યું હતું કે, “અમે અર્થતંત્રની વૃદ્ધિ માટે ટેક્સના નાણાંનો ઉપયોગ રોકાણ માટે કરીશું. અગાઉની કન્ઝર્વેટિવ પક્ષની સરકાર દ્વારા કરાયેલા અર્થતંત્રના ખાડાને પૂરવા માટે ટેક્સમાં વધારો જરૂરી હતો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી સરકાર માટે પબ્લિક ફાઇનાન્સમાં સ્થિરતા લાવવી જરૂરી છે.

ઉપરાંત, જાહેર સેવાઓના પુનઃ નિર્માણ માટે પણ ભંડોળની જરૂર છે.” બજેટને કારણે વર્તમાન સરકારના કાર્યકાળનો તખતો તૈયાર થશે અને આગામી ચૂંટણીમાં પક્ષની ફરી ચૂંટાવાની સંભાવના પણ નિર્ધારિત થશે. ઉલ્લેખનીય છે કે, હાલની સરકારનો કાર્યકાળ ૨૦૨૯ સુધીનો છે.નવી ચૂંટાયેલી સરકારે જણાવ્યું હતું કે, “અમે જ્યારે જુલાઇમાં ચૂંટાયા ત્યારે વિચાર્યું હતું તેના કરતાં અર્થતંત્ર વધુ ખરાબ સ્થિતિમાં છે.”

વડાપ્રધાન કીર સ્ટાર્મરે ચેતવણી આપી હતી કે, “બજેટ નાણાકીય સ્થિતિની વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે.” રીવ્સે દલીલ કરી હતી કે, “અર્થતંત્રનો પાયો મજબૂત બનાવવા ઊંચા વેરા અને જાહેર ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. કન્ઝર્વેટિવ સરકારે ૧૪ વર્ષથી આ બાબત પર ધ્યાન આપ્યું નથી.”

કન્ઝર્વેટિવ પક્ષે જણાવ્યું છે કે, તેમણે સત્તા છોડી ત્યારે અર્થતંત્ર ધીમા દરે વધતું હતું, ઋણનું પ્રમાણ ઓછું હતું અને જી૭ના ઘણા સમૃદ્ધ રાષ્ટ્રો કરતાં બ્રિટનની રાજકોષીય ખાધ પણ ઓછી હતી. જોકે, વર્તમાન સરકારે આરોપ મૂક્યો છે કે, કન્ઝર્વેટિવ સરકાર પબ્લિક ફાઇનાન્સમાં ૨૨ અબજ પાઉન્ડ (૨૯ અબજ ડોલર)નો ખાડો મૂકીને ગઇ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.