મહારાષ્ટ્રમાં પ્રચાર માટે મોદી-શાહ-યોગીની 43 રેલી: ગડકરી-ફડણવીસ પણ જોર લગાવશે
મુંબઇ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય વાતાવરણને પોતાની તરફેણમાં ફેરવવા ભાજપે કમર કસી છે. પાર્ટીએ ચૂંટણી પ્રચારની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી છે અને ઘણા મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે ૧૫ જાહેર સભાઓ કરશે.
વડાપ્રધાન મોદી પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મુંબઈ-કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કુલ આઠ રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્રમાં સૌથી મોટી ચૂંટણી જાહેર સભાના આયોજનની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી અને ચંદ્રશેખર બાવનકુલેના ખભા પર રહેશે. આ સિવાય પાર્ટીએ અન્ય તમામ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુલ ૧૫ જાહેરસભાઓને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ૨૦, નીતિન ગડકરી ૪૦, દેવેન્દ્ર ફડણવીસ ૫૦, ચંદ્રશેખર બાવનકુલે ૪૦ રેલીઓ કરશે. રાજકીય દૃષ્ટિકોણથી, મહારાષ્ટ્ર કોઈપણ રાજકીય પક્ષ માટે મહત્વપૂર્ણ રાજ્ય છે.
રાજ્યમાં જીત નોંધાવવા માટે ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત લગાવે તેવી પ્રબળ શક્યતા છે. મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો માટે ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.