Western Times News

Gujarati News

10 હોટલમાં બોમ્બ મુક્યાનો ઈ-મેલ જર્મનીથી મોકલાયો હોવાનું ખૂલ્યું

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટની ૧૦ હોટલોમાં બોમ્બ મુકયા હોવાનો ઈમેલ મળ્યા બાદ શહેરની પોલીસ સાથે ગ્રામ્યની પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસની વ્યાપક તપાસમાં ધમકી પોકળ સાબિત થઈ હતી. પરંતુ આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઈમેલ જર્મનીથી મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આઈ.પી. એડ્રેસના માહિતીના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે આ મામલે માઈક્રોસોફટ કંપની અને વિદેશ મંત્રાલયની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે સવારે રાજકોટની અલગ અલગ ૧૦ હોટલોમાં બોમ્બ મુકાયા હોવાનો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ છે.

ક્રાઈમબ્રાંચ એસ.ઓ.જી. સાથે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કોડે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હોટેલના દરેક રૂમ તેમજ રેસ્ટોરન્ટ અને કિચનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ‘ડેનકોક ૧૦૧ એર એટ આઉટલૂક કોમ’ નામના ઈમેલ મારફતે રાજકોટની અલગ અલગ ૧૦ હોટલોમાં બોમ્બ મુકાયાની જાણ કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ મથક વિસ્તારમાં આવતી નવ અને ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલી હોટલ સિઝન્સ ઉપરાંત ઈમ્પેરિયલ પેલેસ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી, હોટેલ સયાજી, ભાભા, સેન્ટોસા, એલીમેન્ટ, હોટલ જયોતિ, બીકોન અને હોટેલ પેરેમાઉન્ટ ઈનમાં તપાસ કર્યા બાદ કશુ શંકાસ્પદ મળ્યુ ન હતું.

આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમે આ ઈમેઈલ બાબતે તપાસ કરતા જર્મનીના આઈપી એડ્રેસથી આ ઈમેલ આવ્યો હતો. હવે આ મામલે વધુ વિગતો મેળવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે માઈક્રોસોફટ કંપની અને વિદેશ મંત્રાલયને ઈમેઈલ કરી આઈપી એડ્રેસની વધુ માહિતી આપવા માટે ઈમેઈલ કર્યા છે.

પ્રથમ વખત માઈક્રોસોફટ કંપનીએ રાજકોટ પોલીસના ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. હવે વિદેશ મંત્રાલયની મદદથી બીજો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે આ બંનેને ઈમેઈલ બાદ હવે માઈક્રોસોફટ કંપની તરફથી જે ડેટા રાજકોટ પોલીસને આપવામાં આવશે તેનું એનાલીસીસ કરીને હવે પછી આગળની તપાસ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.