Western Times News

Gujarati News

ટુર ઓપરેટર દુબઈ ફરવાનું સસ્તું પેકેજ આપે તો લલચાતા નહીં આવું પણ થઈ શકે છે

પેસેન્જરોને કેરિયર બનાવી બે કરોડનું સોનું લાવનાર ટૂર ઓપરેટરના જામીન ફગાવ્યા -દુબઈથી સોનું લાવે તો ટૂર પેકેજમાં રાહત આપી મુસાફરો લલચાવ્યા હતા

અમદાવાદ, ટૂર ઓપરેટર દ્વારા મુસાફરોને લોભામણી જાહેરાત આપીને સોનાની દાણચોરી કરાવવાના મામલે કસ્ટમ વિભાગે પકડેલા ટૂર ઓપરેટર પાર્થ દશરથભાઈ પટેલની જામીન અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સનત જે.પંચાલે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી કસ્ટમ ડયુટીની ચોરીનો પ્રાયમાફેસી કેસ છે. આરોપીએ સ્મગલિંગના ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે.

સ્મગલિંગનો ગુનો દેશની અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર પડે તેમ છે. આ ઉપરાંત આરોપી સામેનો આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાય નહીં. આર્થિક પ્રકારના ગુનાને અન્ય ગુનાઓ કરતાં જુદી રીતે મુલવવા જોઈએ. આવા પ્રકારના ગુનાને હળવાશથી લેવામાં આવે તો તેની ગંભીર અસર થાય તેમ છે જેથી ન્યાયના હિતમાં આરોપીને જામીન પર મુક્ત કરવા હિતાવહ નથી.

અમદાવાદથી દુબઈ ટૂરમાં લઈ ગયેલા મુસાફરોને સોનુ ભારતમાં લાવવાનું કહીને તેમને પેકેજમાં રાહતમાં રાહત આપવાનું કહ્યું હતું જેથી ર૧ મુસાફરોએ કુલ ર૩ર૩ ગ્રામ સોનુ અમદાવાદ એરપોર્ટ પર લાવતા અટકાવ્યા હતા. કસ્ટમ વિભાગે મુસાફરોની સઘન પૂછપરછ કરતાં સોનાનો જથ્થો અમારો નથી. આ સોનાનો જથ્થો ટૂર ઓપરેટરે આપ્યો હતો અને બદલામાં પેકેજમાં રાહત આપી હતી.

એટલે સોનાનો જથ્થો અમે લાવ્યા હતા જેથી કસ્ટમ વિભાગે પાર્થ દશરથભાઈ પટેલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાનમાં આરોપી પાર્થ પટેલે જામીન મેળવવા માટે અરજી કરી હતી જેમાં કસ્ટમના ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યું હતું કે, આમ આરોપી સામે ગંભીર ગુનો છે. આરોપીએ દાણચોરોના ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે.

દાણચોરીના લીધે દેશની અર્થ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડે તેમ છે. આ ઉપરાંત આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે જેથી આરોપીની જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.