અમદાવાદમાં દિવાળીના 5 દિવસમાં 4 હત્યાથી સન્નાટો
નરાધમ પિતાએ દીકરીને ધનતેરસના દિવસે મોતને ઘાટ ઉતારી દીધી
(એજન્સી)અમદાવાદ, દિવાળી લોકો ધામધૂમથી ઉજવી રહ્યા હતા ત્યારે કેટલીક જગ્યાએ લોહિયાળ ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ હતી. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી શહેરમાં ચાર હત્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
આ ઘટના બનતા સિવિલ હોસ્પિટલ કેટલી સુરક્ષિત છે. તેનો પર્દાફાશ થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમં દિવાળીના તહેવારોમાં ચાર હત્યાની ઘટના બની છે. જેમાં એક બાળકી સહિત ચાર લોકોની હત્યા થઈ છે જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે.
શહેરના ખોખરા વિસ્તારમાં પૂજાલાલની ચાલી તથા જયંતી વકીલની ચાલીમાં બે મહિના પહેલાં થયેલા મનદુઃખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બે મહિના પહેલાં રિક્ષાચાલકને સૂચિત મરાઠી સહિતના લોકો સાથે તકરાર થઈ હતી જેમાં રિક્ષાચાલકને અજય મકવાણા અને તેના ભાઈએ બચાવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને સૂચિત મરાઠી સહિતના લોકો ઘાટ ઘડીને બેઠા હતા.
અજય મકવાણા પર હુમલો કરવાના ઈરાદો રાખીને સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી, સિંધુ મરાઠી અને પિયુષ મરાઠી સહિતના લોકો ઘાટ ઘડીને બેઠા હતા. અજય મકવાણા પર હુમલો કરવાના ઈરાદો રાખીને સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી, સિંધુ મરાઠી અને પિયુષ મરાઠીએ હુમલો કર્યો હતો. હુમલા બાદ અજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હુમલાની આ ઘટનામાં પણ સૂચિતને ગંભીર ઈજા થઈ હતી
જ્યાં તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખોખરા પોલીસે આ મામલે સામસામે ગુનો નોંધ્યો છે. અજયના હત્યા કેસમાં સૂચિત મરાઠી સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે સૂચિત પર હુમલા મામલે અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
રખિયાલ વિસ્તારમાં આવેલા પ્રગતિ એસ્ટેટમાં રહેતી અને મૂળ કર્ણાટકના બાસો ગામમાં રહેતી ઉજમાબાનુ પઠાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પરવેઝ ઈરશાદ અહેમદ શેખ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. ઉઝમાબાનુ તેના પતિ નૂરખાન પઠાણ તેમજ બે બાળકો સાથે રહેતા હતા. નૂરખાનના સ્ટીલના કારખાનામાં પરવેઝ ઈરશાદ નામનો યુવક કામ કરતો હતો. પરવેઝ અવારનવાર નૂરખાનને સ્ટીલનું કારખાના શરૂ કરવાનો કહેતો હતો.
પરવેઝની વાત માનીને નૂરખાને તેના કારખાનાના પહેલાં માળે સ્ટીલની બટર ફલાયની ડિઝાઈન બનાવવાનું કારખાનું ખોલીને આપ્યું હતું. નૂરખાને સાત લાખ રૂપિયા ખર્ચીને મશીનરી વસાવી હતી અને પરવેઝને કારખાનું ચાલુ કરાવી દીધું હતું. પરવેઝે કારખાનું ચાલુ થાય તે પહેલાં નૂરખાનને પ્રોમિસ કર્યું હતું કે જે ખર્ચો થયો છે તે મહિને મહિને હપ્તાથી રૂપિયા આપીને ચૂકવી દઈશ.
પરવેઝે મહિને મહિને હપ્તા તરીકેના રૂપિયા નૂરખાનને આપવાના બંધ કરી દીધા હતા જેના કારણે બન્ને વચ્ચે અનેક વખત બોલાચાલી ઝઘડો પણ થતો હતો. ધનતેરસના દિવસે ઉઝમાબાનુની સામે જ પરવેઝે નૂરખાનના માથામાં હથોડી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
રામોલ વિસ્તારમાં આવેલી વિનાયક પાર્ક સોસાયટીમાં રત્નકલાકાર દિલીપ કુશવાહે તેની પત્ની અને પાંચ વર્ષની દીકરી પર મકાન બાબતે ચાલતા કંકાસને લઈને વહેલી સવારે ઘાતક હુમલો કર્યો હતો. પોતાના ઘરથી દૂર હીરાના કારખાનામાં જ રહેતો દિલીપકુમાર ધનતેરસના દિવસે વહેલી સવારે ઘરે આવ્યો હતો અને હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો. દિલીપ કુશવાહે તેની પત્ની આશા અને દીકરી ધરા પર પાઈપ અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ધરાનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે આશાની હાલત નાજુક હતી. રામોલ પોલીસે દિલીપ કુશવાહ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નરોડામાં આવેલા પ્રેમનગરમાં રહેતા બીટીદેવીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર કેન્ટીનમાં નોકરી કરે છે. તેમના બે દિકરા છે જેમાં મોટો દિકરો બિપીન અને નાનો દિકરો આલોક છે. ૧લી ઓકટોબરની રાતે આઠ વાગ્યે બીટીદેવીના પાડોશીઓએ જણાવ્યું હતું કે, આલોકને કોઈની સાથે ઝઘડો થયો છે.
બીટીદેવી ઘરની બહાર નીકળ્યા ત્યારે આલોક સાથે ગોલુ તોમર, ગોપાલ તોમર, ગપ્પુ બાબા તેનો ભાઈ અઈને અન્ય ત્રણ ચાર માણસો બોલાચાલી કરીને તકરાર કરી રહ્યા હતા. બીટીદેવી આલોકને લઈને ઘરમાં આવ્યા અને જમવા માટે બેઠા હતા. ત્યારે અચાનક આ તમામ લોકો હાથમાં અલગ અલગ ચપ્પા અને તલવાર સાથે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બીટીદેવી તથા આલોક અને બિપીન સાથે મારામારી કરવા લાગ્યા હતા.
આ વખતે ગોપાલે બીટીદેવીના માથામાં લાકડી મારતાં તેમને ઈજા થઈ હતી જેથી આલોક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને બીટીદેવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર કરાવી હતી ત્યારબાદ તેઓને સહયોગ ઈમેજિંગ સેન્ટરમાં સિટી સ્કેનમાં એમઆરઆઈ માટે જવા માટે કહ્યું હતું. સિટી સ્કેન કરાવી બીટીદેવી એમ્બ્યુલન્સમાં બેઠા હતા અને તેમની સાથે આલોક પણ હતો.
દરમિયાનમાં પ્રેમનગરમાં રહેતા પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દીપુ તોમર, બબ્લુ તોમર તથા તેની સાથેની એક અજાણી વ્યક્તિને મળીને આલોકને એમ્બ્યુલન્સમાંથી બહાર ખેંચી લીધો હતો અને શરીર પર છરીથી આડેધડ ઘા માર્યા હતા. બીટીદેવી આલોકને બચાવવા વચ્ચે પડયા હતા. આલોક પર હુમલો કર્યા બાદ તમામ લોકો પોતાના બાઈક પર બેસીને હથિયારો સાથે ત્યાંથી નાસી ગયા હતા.
આલોકને સારવાર માટે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીટીદેવીએ તેમના ઘરમાં હુમલો કરવા મામલે ત્રણ શખ્સ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જ્યારે શાહીબાગ પોલીસે પણ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.