નાળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો-વીંટીના આધારે ઓળખ થઈ
પતિએ પત્નિની હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી
મીનાની લાશ વિકૃત થઈ ગઈ હતી જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. મીનાએ હાથમાં પહેરેલી વીંટીના આધારે તેની ઓળખ થઈ હતી. મીના વિધવા હતી અને તેને ગોવિંદ સાથે પ્રેમ થયો હતો. ગોવિંદે મીનાની લાશ જ્યાં ફેંકી તેની નજીક રહેતો હતો. મીનાની હત્યા બાદ ગોવિંદ રહસ્મયરીતે ગુમ હતો જેના કારણે પોલીસને શંકા વધુ થઈ હતી. મીનાએ હાથમાં પહેરેલી વીંટીને તેના સંબંધીઓએ ઓળખી કાઢતાં તેની ઓળખ થઈ હતી.
(એજન્સી)અમદાવાદ, સાથે જીવવા મરવાના સોગંદ ખાઈને એક મહિના પહેલાં લગ્નના તાંતણે બંધાયેલા યુવકે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ લાશને વરસાદી નાળામાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ જિલ્લામાં આવેલા દેત્રોજ પાસે થોડા દિવસ પહેલાં એક મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી.
મહિલાની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન હત્યા મહિલા મહિલાના પતિએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મહિલાના પરપુરૂષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા રાખીને લગ્નના એક મહિના બાદ તેનું ગળું દબાવીને અર્ધબેભાન કર્યા બાદ તળાવમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં તેની લાશને વરસાદી નાળામાં ફેંકી દીધી હતી.
અમદાવાદ જિલ્લામના દેત્રોજ પાસે મામલતદાર કચેરી નજીક આવેલા વરસાદી નાળામાંથી દસ દિવસ પહેલાં અજાણી મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી જ્યાં ડૉક્ટરે તેની હત્યા થઈ હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો હતો. મહિલા કોણ છે અને તે કયાંની રહેવાસી છે તે જાણવું જરૂરી હતું જેથી પહેલાં તો પોલીસે તેના ફોટોગ્રાફસ દરેક પોલીસ સ્ટેશનમાં તેમજ સોશિયલ મીડિયામાં મોકલી આપ્યા હતા. દરમિયાનમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલા કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં આવેલા મુફતીનગર કુદરોઠી ગામની રહેવાસી છે. મહિલાનું નામ મીનાબહેન ચૌહાણ છે અને તેમની હત્યા તેના પતિએ કરી છે.
મીનાબહેનની તેના પતિએ ગળું દબાવ્યા બાદ તળાવમાં ડૂબાડીને હત્યા કરી લાશ વરસાદી નાળામાં ફેંકી દીધી હતી. છેલ્લા એક વર્ષથી મીનાબહેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પતિએ તેમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મામલતદાર કચેરી તરફ જવાના રોડ ઉપર વરસાદી નાળા પાસે ર૩ ઓકટોબરના રોજ મીનાની લાશ મળી હતી. મીનાના લાશની ઓળખ થઈ શકી નહોતી. જેના પગલે ગુમ થયેલા લોકો અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફોટા વિવિધ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા તે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે દેત્રોજમાં રહેતા ગોવિંદજી ઠાકોર નામની વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તેની હત્યા થઈ છે.
જેને આધારે પોલીસે તપાસ કરતાં કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં આવેલા મુફતીનગર કુદરોઠી ગામના મીનાબહેન ચૌહાણની લાશ હોવાનું સામે આવ્યું હતું. મીનાબહેનને છેલ્લા છ વર્ષથી દેત્રોજના ગોવિંદજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો. એક મહિના પહેલાં કડી ખાતે આવેલા જોગણી માતાના મંદિરે બન્ને ફૂલહાર કરી સાથે જીવન જીવવાના સોગંદ ખાધા હતા.
જો કે, ગોવિંદજીને શંકા હતી કે, મીનાબહેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે જેથી જ્યારે મીના તેમના ઘરે આવી ત્યારે તેણે ગળું દબાવી હત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે, મીના બેભાન થઈ ગઈ હતી જેથી તેને તળાવમાં લઈ જઈ ડૂબાડીને હત્યા કરીને લાશ નાળા પાસે ફેંકી દીધી હતી. દેત્રોજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.