USA Election: ૬ ભારતીય મૂળના નેતા છવાયા-ડોનાલ્ડ ટ્રમ્પની ક્લિન સ્વીપ
(એજન્સી)વોશિંગ્ટન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની સરખામણીમાં ભારતીય મૂળના કમલા હેરિસ પાછળ રહી ગયા. આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ પણ જોવા મળ્યા હતા. ભારતીય મૂળના કુલ ૬ નેતાઓ યુએસ કોંગ્રેસના સાંસદ બનવામાં સફળ રહ્યા છે. સુહાસ સુબ્રમણ્યમ વર્જીનિયા સીટ પરથી જીત્યા છે.
આ ઉપરાંત કેલિફોર્નિયાથી અમી બેરા, ઇલિનોઇસથી રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રો ખન્ના, વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ અને મિશિગનથી શ્રી થાનેદાર સાંસદ બનવામાં સફળ રહ્યા છે. ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા હતા.
તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે. આ પહેલા સુહાસ સુબ્રમણ્યમ વ્હાઇટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે. શ્રી થાનેદાર ૨૦૨૩ થી મિશિગનના ૧૩મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના સભ્ય છે. હવે તેમને બીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
એ જ રીતે ૨૦૧૭થી ઇલિનોઇસ રાજ્યના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ પણ જીત્યા છે. પરિણામ આવ્યા બાદ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે મારા માતા-પિતા અમારા પરિવારના ભવિષ્ય માટેનું સ્વપ્ન લઈને આ દેશમાં આવ્યા હતા વિશ્વાસ કે તેઓ અહીં અમેરિકામાં તે હાંસલ કરી શકે છે. કેટલાક મુશ્કેલ સમય હોવા છતાં પણ અમે કર્યું.’
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે ૨૭૦ સીટો જીતવી જરૂરી છે. આટલી સીટ મેળવવા માટે સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીતવું જરૂરી છે.
આ સ્વિંગ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે. જે ૯૩ સીટ ધરાવે છે. જેમાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકે આ સાત સ્વિંગ સ્ટેટ્સમાં જીત હાંસલ કરી છે. આ જીત બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અગાઉ અમે ફક્ત ૨-૩ સ્વિંગ સ્ટેટ્સમાં જ જીતી શક્યા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે અમારી પાર્ટીએ તમામ સ્વિંગ સ્ટેટ્સમાં જીત મેળવી છે.’
અમેરિકામાં કુલ ૫૦ રાજ્ય છે જેમાં મોટાભાગના રાજ્ય ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે વહેચાયેલા છે. ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપતા રાજ્યોને બ્લુ સ્ટેટ્સ કહેવાય છે જયારે રિપબ્લિકન પાર્ટીને ટેકો આપે તેને રેડ સ્ટેટ્સ કહેવામાં આવે છે. જયારે અમુક રાજ્ય એવા પણ છે બંને પાર્ટીનું સમર્થન કરે છે. આ રાજ્યના મતદારો કોઈપણ પાર્ટીને ટેકો આપે છે કોઈ પાર્ટીનું પરંપરાગત રીતે સમર્થન કરતા નથી, એટલે જ તેને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.