ડિસેમ્બરમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી
(એજન્સી)અમદાવાદ, હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે.
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.
હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ ૨૦૨૪ માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું.
નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.