ટ્રમ્પના જીતવાથી અમેરિકા-રશિયા સંબંધો પર શું અસર થશે?
ટ્રમ્પને જીતની શુભકામનાઓ આપવાની પુતિને ના પાડી દીધી-ક્રેમલિને કહ્યું કે, તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતનો દાવો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કામના આધાર પર રાખશે
નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા દેખાઈ રહ્યા છે. જો કે હાલમાં તેમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામથી ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. દુનિયાભરના નેતા ટ્રમ્પને જીતની શુભકામનાઓ આપી રહ્યા છે. પણ આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે, તેઓ હાલમાં ટ્રમ્પને જીતની શુભકામના નહીં આપે.
ક્રેમલિન તરફથી કહેવાયું છે કે, તેઓ ટ્રમ્પની નીતિઓ જોયા બાદ જ તેમને શુભકામના આપવા વિશે વિચારશે. ક્રેમલિનનું કહેવું છે કે, ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદનું મૂલ્યાંકન ઠોસ કદમોના આધાર પર કરવામાં આવશે.
ક્રેમલિને કહ્યું કે, તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતનો દાવો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કામના આધાર પર રાખશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને કહ્યું કે, ‘‘અમે ટ્રમ્પની નીતિઓના આધાર પર નિર્ણય કરીશું. ટ્રમ્પને શુભકામના આપવાની રાષ્ટ્રપતિની યોજના વિશે જાણકારી નથી, કારણ કે અમેરિકા એક અમિત્ર દેશ છે.’’
જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટ્રમ્પને શુભકામના આપી અને આગળ જતાં યુક્રેનનું સમર્થન કરવાની વાત પણ કહી દીધી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ ટ્રમ્પના એ કથનનું સમર્થન કરે છે, જેમાં તેઓ તાકાતના દમ પર શાંતિ લાવવાની વાત કહે છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘‘મને સપ્ટેમ્બરમાં થયેલી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અમારી શાનદાર બેઠક યાદ આવે છે. જ્યારે અમે યુક્રેન અને અમેરિકાની રણનીતિક ભાગીદારી, જીતની યોજના અને યુક્રેન વિરુદ્ધ રશિયાની આક્રમકતાને ખતમ કરવાના ઉપાય પર વિસ્તારથી ચર્ચા કરી હતી.’’
અમેરિકન ચૂંટણીમાં ટ્રમ્પનો સાથ આપવાના આરોપ રશિયા પર લાગતા રહ્યા છે. રશિયા પર ૨૦૧૬ અને ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પને મદદ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે ટ્રમ્પનું સત્તામાં રહેવું ફાયદાકારક છે. તેના કારણ પણ છે. હકીકતમાં બાઈડેન સરકાર રશિયા પ્રત્યે કડક રહી છે. જંગ શરૂ થયા બાદથી બાઈડેન સરકારે યુક્રેનને ન ફક્ત આર્થિક પણ સૈન્ય તરીકે પણ મદદ કરી રહી છે.