Western Times News

Gujarati News

સરકારની જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાતનું સુરસુરિયું

અમદાવાદ, નૂતન વર્ષની શરૂઆત સાથે જ ફરી એક વાર જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ફરી એકવાર જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જોકે જૂની પેન્શન યોજનાને અમલી બનાવવા માટે સરકાર અગાઉ જાહેરાત કરી દીધી છે, છતાં તેનો ઠરાવ કરવામાં આવ્યો નથી.

એટલે ક્યાંક ને ક્યાંક જૂની પેન્શન યોજનાની સરકારની જાહેરાતનું જાણે સુરસુરિયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ જાહેરાતના સુરસુરિયા બાદ ચાલુ વર્ષની શરૂઆત સાથે જ ફરી એકવાર આંદોલનના બોમ્બ ફૂટે તેવો ઘાટ સર્જાયો છે.

રાજ્યના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત મુજબ જૂની પેન્શન યોજનાના અમલને લઈને સરકારી કર્મચારીઓમાં વિખવાદ જોવા મળી રહ્યો છે.

શૈક્ષિક સંઘના મત અનુસાર ગત ૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં પહેલી એપ્રિલ ૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા ૬૦ હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર થયો હતો જેનો ઠરાવ બહાર પાડવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

પહેલી એપ્રિલ ૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો તેમજ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

સરકારે મોટા ઉપાડે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત તો કરી દીધી પરંતુ આ વાતને સમય વિતવા છતાં તેનો ઠરાવ સરકારે કર્યો નથી. જ્યાં સુધી આ મામલે ઠરાવ ન થાય ત્યાં સુધી આ પ્રકારની જાહેરાત માત્ર સુરસુરિયું બનીને રહી ગઈ છે અને હવે શિક્ષકો અને સરકારના કર્મચારીઓ રોષે ભરાયા છે.

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓનું જૂની પેન્શન યોજના લાગુ કરવાનું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા આ મામલે જાહેરાત થઈ જતાં કર્મચારીઓનો રોષ હેઠો બેઠો હતો. પણ હવે એ જાહેરાત પછી કોઈ પ્રકારનો ઠરાવ નહિ થતાં કર્મચારીઓમાં ફરી ગણગણાટ શરૂ થઈ ગયો છે અને આ ગણગણાટ નવા વર્ષની શરૂઆત સાથે જ આંદોલનના બોમ્બ ફૂટવામાં પરિણમે તો નવાઈ નહિ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.