Western Times News

Gujarati News

અમદાવાદના ૬ર હજાર કરતા વધુ ફેરિયાઓનો સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીમાં સમાવેશ

ફેરિયાઓ પાસેથી માસિક રૂ.રપ૦ થી રૂ.૬૦૦ સુધીનું ભાડુ લેવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને દબાણ મુકત કરવા માટે સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસી તૈયાર કરવામાં આવી છે. ર૦૧૭ની સાલમાં કરવામાં આવેલ સર્વેને ધ્યાનમાં લઈને શહેરના ફેરિયા, પાથરણાવાળાઓને જગ્યા ફાળવવામાં આવશે.

જેના માટે તેમની પાસેથી દર મહિને રૂ.રપ૦ થી રૂ.૬૦૦ સુધી ભાડુ લેવામાં આવશે. શહેરના ફેરિયા, પાથરણાવાળાઓને ત્રણ કેટેગરી અને ત્રણ ઝોનમાં વહેંચણી કરી જગ્યા આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૭ના વર્ષમાં સ્ટ્રીટ વેન્ડર્સના સર્વે કરવામાં આવ્યા હતાં જેમાં અંદાજે ૬ર હજાર જેટલા શહેરી ફેરિયાઓની નોંધણી થઈ હતી. આ ફેરિયાઓ માટે ર૦રરમાં સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

જેમાં તેને ત્રણ અલગ અલગ ઝોનમાં વર્ગીકૃત કર્યો હતો જેમાં નો વેન્ડીંગ ઝોન, પ્રતિબંધિત ઝોન, અને પ્રતિબંધ મુક્ત ઝોન એમ ત્રણ ઝોન નકકી કરવામાં આવ્યા હતાં આ પ્લાનનો અમલ કરવા માટે સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ ગુરૂવારે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને ટાઉન પ્લાનીંગ કમિટી સમક્ષ મંજુરી માટે મોકલવામાં આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસી માટે હાઈ ડીમાન્ડ એરિયામાં ફેરિયાઓ પાસેથી દર મહિને રૂ.૬૦૦, મીડીયમ ડીમાન્ડ એરિયામાં રૂ.૪૦૦ અને સામાન્ય એરિયા માટે રૂ.રપ૦ દર મહિને ફી પેટે લેવામાં આવશે.

જેમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે આ રકમ જે તે સિવીક સેન્ટરમાં જમા થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. અગાઉ જે ફેરિયાઓને આઈકાર્ડ આપવામાં આવ્યા છે તેને રીન્યુ કરવામાં આવશે. આઈકાર્ડની માન્યતા પાંચ વર્ષની રાખવામાં આવશે જેના માટે રૂ.રપ૦૦ લેવામાં આવશે. હેપ્પી સ્ટ્રીટ માટે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈ ખાણીપીણીની ગરમ વસ્તુ બનાવનાર લોકોનો સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીમાં સમાવેશ કરવામાં આવશે.

ટ વેન્ડર્સ પોલીસીના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ.ર૦૦૦ સુધીની પેનલ્ટી લેવામાં આવશે. તેમજ જો ત્રણ વાર ઉલ્લંઘન થશે તો જે તે ફેરિયાના સર્ટિફિકેટ રદ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.