Western Times News

Gujarati News

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ-5 હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવ્યા

(પ્રતિનિધિ) આણંદ, વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્‌યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.

શ્રી શ્રી કૃષિ સાયન્સ અને ટેક્નોલોજી ટ્રસ્ટના ચેરમેન ડો. પ્રભાકર રાવે જણાવ્યું કે એસ.વી.આઈ.ટી.ના સહકારથી આજે તૈયાર કરવામાં આવેલ સીડબોલનું આગામી ચોમાસાની સીઝનમાં વાવેતર કરવામાં આવશે.

કાર્યક્રમના પ્રારંભમાં એસ.વી.આઈ.ટી.ના ચેરમેન શ્રી રોનક પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, એઆ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, શ્રી દેવુસિંહ ચૌહાણ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડિયા, આર્ટ ઓફ લિવિંગના શ્રી સેજલબેન સ્વામી સહિત એસ.વી.આઈ.ટી. કોલેજના અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.