Western Times News

Gujarati News

મણીનગર ક્રોસિંગ પાસે સાંજ પડતા જ સર્જાતા ટ્રાફિકજામનાં દ્રશ્યો

File Photo

એક તરફ ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિ બીજી તરફ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે રસ્તા સાંકડા બનતા સમસ્યા ઘેરી બની

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ખાસ કરીને ‘પીક-અવર્સ’ ના સમયગાળામાં સવારે ઓફિસના સમયે અને સાંજે ઓફિસથી પરત આવવાના સમયે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

હવે તો મોટાભાગના પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલની સિસ્ટમ કાર્યરત જોવા મળે છે તેની સાથે ટ્રાફિક પોલીસ પણ સ્ટેન્ડ ટુ હોય છે પરંતુ હજુ પણ એવા અમુક સ્થળો છે કે જયાં પોલીસની ફીઝીકલી હાજરી જરૂરી છે. આવો જ એક વિસ્તાર છે મણીનગર ક્રોસિંગ જયાં વારંવાર પેસેન્જર ટ્રેન તથા ગુડઝ ટ્રેન પસાર થતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. અમુક સમયે ટ્રાફિકના જવાનો ઉપસ્થિત હોય છે તેવા સમયે ટ્રાફિક સરળતાથી પસાર થઈ જાય છે

પરંતુ સાંજના સમયે જયારે ટ્રેન આવે તેવા સંજોગોમાં ચારો તરફ ચક્કાજામ થઈ જાય છે. મણીનગર ક્રોસિંગ પાસે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો પરેશાન થઈ જાય છે. અહીંયા સાંજના સમયે ટ્રાફિક પોલીસ ઉપસ્થિત રહે તો ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે થઈ શકે છે. વળી અહીંયા બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે તેથી આમેય ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક પોલીસની હાજરી રહેતી નહી હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બને છે.

મણીનગર ક્રોસિંગ અને તેની આજુબાજુથી પસાર થવાના અલગ અલગ રસ્તા છે. લાલબસ, બી.આર.ટી.એસ.ની બસો તથા એસ.ટી બસોની સાથે ઓટો રીક્ષાઓ તથા અન્ય વાહનોની અવર જવર સતત રહેતા ટ્રાફિકની ચહલપહલ સતત રહે છે તેની સાથે વારંવાર ફાટક બંધ થાય છે.

મણીનગર દક્ષિણી અંડરબ્રીજમાંથી માત્ર રીક્ષાઓ અને ટુ વ્હીલર વાહનો જ પસાર થાય તેટલી જ જગ્યા છે પરિણામે સાંજના સમયે તો ફાટક ખુલે તે સાથે જ ચારેબાજુથી વાહનો એક જ જગ્યાએ ભેગા થાય છે.

ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિને કારણે ચક્કાજામ થઈ જાય છે. વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવુ મુશ્કેલ થઈ જાય છે. ઓછામાં ઓછા ૧૦-ર૦ મીનીટ ટ્રાફિકજામમાં અટવાયેલા રહેવુ પડતુ હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી જાય છે. આ બાબતે કોઈ ઉકેલ આવે તેવુ સ્થાનિક લોકો ઈચ્છી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.