Western Times News

Gujarati News

મારો વિરોધ બિઝનેસ સામે નહીં, ઈજારાશાહી સામે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘‘હું વ્યાપાર વિરોધી નથી, જેવી રીતે ભાજપ કહી રહ્યું છે, પરંતુ હું ઈજારાશાહીની વિરુદ્ધમાં છું.’’

આ ટિપ્પણી એક જાણીતા અખબારમાં લખેલા એક લેખના એક દિવસ પછી આવી છે, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘‘મૂળ ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૫૦ વર્ષ પહેલા ખતમ થઈ ગઈ હતી, પરંતુ ત્યાર પછી પેદા થયેલો ડર પરત આવી ગયો છે, કારણ કે ઈજારાશાહીની એક નવી જાતે તેનું(ઈસ્ટ ઈન્ડિયા કંપની) સ્થાન લઈ લીધું છે.’’

જોકે, રાહુલ ગાંધી ભારપૂર્વક કહ્યું હતું કે, ‘‘પ્રગતિશીલ ભારતીય વ્યાપાર માટે નવો કરાર એક એવો વિચાર છે, જેનો હવે સમય આવી ગયો છે.’’સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘હું એક વાત બિલકુલ સ્પષ્ટ કરવા ઈચ્છું છું, મને ભાજપમાં મારા વિરોધીઓ દ્વારા વ્યાપાર વિરોધી હોવા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

પરંતુ હું વ્યાપાર વિરોધી બિલકુલ નથી, હું ઈજારાશાહી (મોનોપોલી)ની વિરુદ્ધમાં છું. હું એક, બે કે પાંચ લોકો દ્વારા વ્યાપાર પર વર્ચસ્વ જમાવવાના વિરોધમાં છું.’’ આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘હું નોકરીઓનો સમર્થક છું, વ્યાપારનો સમર્થક છું, સંશોધનનો સમર્થક છું, હરિફાઈનો સમર્થક છું.

હું ફક્ત ઈજારાશાહીનો વિરોધી છું. આપણી અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બનશે, જ્યારે તમામ વ્યાવસાયો માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ સ્થાન હશે.’’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.