એમેઝોન, ફ્લિપકાર્ટના પ્રીફર્ડ વેન્ડર્સ પર ઈડીના દરોડા
નવી દિલ્હી, વિદેશી સીધાં રોકાણના નિયમોના ઉલ્લંઘનના મામલાની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન તથા ફ્લિપકાર્ટ સહિતની અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓ પર કામ કરતાં પ્રીફર્ડ વેન્ડર્સના વિવિધ શહેરોમાં આવેલા સ્થળોએ સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી.
દિલ્હી, ગુરુગ્રામ, પંચકુલા, હૈદરાબાદ અને બેંગાલુરુ સહિતના શહેરોમાં કુલ ૧૯ સ્થળોએ કરાયેલી સર્ચની કામગીરી દરમિયાન ઈડીએ વિવિધ દસ્તાવેજોની નકલો જપ્ત કરી હતી.
આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ઈ-કોમર્સ જાયન્ટ્સ પર માલ-સામાન અને સેવાઓની વેચાણ કિંમતોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત કરી ભારતના સીધાં વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો અથવા તમામ વેન્ડર્સને સમાન તક નહીં આપતા હોવાના આક્ષેપો કરાયા છે.
બંને ઈ-કોમર્સ કંપનીઓએ આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)એ ઈડીની કાર્યવાહીને આવકારી હતી.
સીએઆઈટીના મહાસચિવ અને દિલ્હીના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સીએઆઈટી સહિતની અન્ય વેપારી સંસ્થાઓ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષાેથી આ મામલે રજૂઆત કરાઈ રહી હતી. અમે ઈડીની આ કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ.SS1MS