Western Times News

Gujarati News

વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં ભારતને સામેલ થવા બાબતે શું કહ્યું પુતિને

File

(એજન્સી)મોસ્કો, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા બાદ હવે ભારતને વૈશ્વિક મહાસત્તાની યાદીમાં સામેલ કરવા લાયક જાહેર કર્યું છે. પુતિનના આ નિવેદને વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ પાડવાના ઇરાદા ધરાવતા દેશોને ચોંકાવી દીધા છે.

પુતિને કહ્યું છે કે ભારત વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવાને સંપૂર્ણપણે લાયક છે, કારણ કે તેની અર્થવ્યવસ્થા હાલમાં અન્ય કોઈ પણ દેશની તુલનામાં ઝડપથી વધી રહી છે. ગુરુવારે સોચીમાં ‘વલ્ડાઈ ડિસ્કશન ક્લબ’ના પૂર્ણ સત્રને સંબોધિત કરતી વખતે, પુતિને એમ પણ કહ્યું હતું કે રશિયા ભારત સાથે તમામ દિશામાં સંબંધો વિકસાવી રહ્યું છે અને બંને દેશો દ્વિપક્ષીય સંબંધોમાં એકબીજા પર ઊંડો વિશ્વાસ ધરાવે છે.

રશિયન પ્રમુખે કહ્યું, “ભારતને તેની દોઢ અબજની વસ્તી, વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ, પ્રાચીન સંસ્કૃતિ અને ભવિષ્યના વિકાસની ખૂબ સારી સંભાવનાઓને કારણે નિઃશંકપણે મહાસત્તાઓની યાદીમાં સામેલ થવું જોઈએ. ભારતને એક મહાન દેશ ગણાવતા તેમણે કહ્યું, “અમે ભારત સાથે તમામ દિશામાં સંબંધો વિકસાવી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે, હવે ૧.૫ અબજની વસ્તી સાથે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે અને તે પણ જ્યાં દર વર્ષે વસ્તીમાં એક કરોડનો વધારો થાય છે.

પ્રમુખ પુતિને કહ્યું કે ભારત આર્થિક પ્રગતિના મામલે વિશ્વમાં અગ્રેસર છે. રશિયન સમાચાર એજન્સી તાસે પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે, “અમારા સંબંધો ક્યાં અને કઈ ગતિએ વિકસિત થશે તે અંગેનું અમારું વિઝન આજની વાસ્તવિકતાઓ પર આધારિત છે.” અમારો સહયોગ દર વર્ષે અનેકગણો વધી રહ્યો છે. પુતિને કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સંપર્કો વધી રહ્યા છે. તેમણે કહ્યું, “જુઓ કેટલા પ્રકારના રશિયન લશ્કરી સાધનો ભારતીય સશસ્ત્ર દળોની સેવામાં છે. આ સંબંધમાં ઘણો વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.