ડિનરમાં સિઝલરના ધૂમાડાથી ગુંગળામણમાં ૨૦ મહિલા બેભાન
સુરતમાં વ્હોરા સમાજના ૧૬ મહિલાઓને સારવાર આપી રજા અપાઈ પરંતુ હજી ચાર મહિલાઓ સારવાર હેઠળ
સુરત,
દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે બેઝમેન્ટમાં બનાવેલા AC હોલમાં સિઝલરના ધૂમાડાથી ૨૦ થી ૩૦ મહિલાઓ એક પછી એક બેહોશ થઈને પડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ધમાચકડી મચી હતી. એમ્બ્યુલન્સની સાઈરનને લીધે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સિઝલરના ધૂમાડાને કારણે હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં મહિલાઓને અસર થઈ હોવાનું તબીબોએ પ્રાથમિક કારણ આપ્યુ હતું. શહેરના ઝાંપાબજાર વિસ્તારમાં આવેલા નૂરપુરામાં અલનૂર મેન્શનમાં બેઝમેન્ટમાં બનાવાયેલા એસી હોલમાં દાઉદી વ્હોરા સમાજની મહિલાઓ માટે ગુરુવારે મોડી સાંજે મીઠી સિતાબીનાં જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું.
આ હોલમાં ૧-૧ ટનના ચારથી પાંચ એસી હતાં. જોકે, વેન્ટિલેશન નહીં હોવાથી સિઝલરના ધૂમાડાને લીધે હોલમાં આૅક્સિજન લેવલ ઘટી જવાને લીધે ૨૦ થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી હતી.વ્હોરા સમાજનો મામલો હોવાથી તેમણે તેમના સમાજની જ મહિધરપુરા ટાવર રોડ પાસે બનાવાયેલી બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડી હતી. મહિલાઓને તાત્કાલિક સારવાર આપી હતી. જોકે, સવાર સુધીમાં ઘણી મહિલાઓ સ્વસ્થ થઈ હતી.
જોકે, શુક્રવારે મોડી સાંજ સુધી ચારેક મહિલાઓને હજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાનું દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓનું કહેવું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી. ગુંગળામણનો અનુભવ અને હોલની હવામાં ધૂમાડાને કારણે આૅક્સિજન લેવલ ખૂબ ઓછું થઈ જતાં આ ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.આશ્ચર્ય એ વાતનું હતું કે, મોડી રાત સુધી આ ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર વ્હોરા સમાજના આયોજકોએ પોલીસ કે પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. જોકે, સવારે આ મામલો સામે આવતા પાલિકાએ શુક્રવારે આ બેઝમેન્ટમાં બનાવેલા હોલને સીલ મારી દીધું હતું. પાલિકાના આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી છે. ss1