Western Times News

Gujarati News

ભાજપના શાસનમાં મંદિરોમાં ચોરીની ૫૦૧ ઘટના : કોંગ્રેસ

ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાંથી કુલ રૂપિયા ૪.૯૩ કરોડની રોકડ અને મુદામાલ ચોરાયો છે

ગાંધીનગર,ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. હિન્દુત્ત્વની દુહાઈ દેતી ભાજપ સરકારમાં મંદિરો-ભગવાન પણ સલામત નથી તેવી સ્થિતિ સર્જા છે. કરોડો ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહિત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લૂંટ-ધાડની ઘટના વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મંદિરોમાંથી ચોરીમાં કુલ રૂ.૪,૯૩,૭૨,૨૪૭ની રોકડ અને મુદામાલની ચોરી થઈ છે. ગુજરાતમાં ૨૦૨૧માં ૧૫૧ મંદિરમાં, ૨૧-૨૨માં ૧૭૮ મંદિરમાં અને ૨૦૨૨-૨૩માં ૧૭૨ મળીને કુલ ૫૦૧ ચોરીની ઘટના બની છે.

હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટના બની છે ત્યારે ગુજરાતના મંદિરોની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની માગ કોંગ્રેસે કરી છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે સરકારના સલામતના મોટા મોટા દાવાની પોલ છતી કરતા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં માત્ર રહેણાક-વ્યવસાયિક વિસ્તારો જ નહીં, પરંતુ હવે મંદિરોમાં પણ બેફામપણે લૂંટ-ચોરીની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્ત્વની દુહાઈ દેતી સરકાર મંદિર-ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.

મંદિરોમાં થઇ રહેલી ઘટના માત્ર સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે, પરંતુ ભગવાનના નામે રાજનીતિ કરતો ભાજપ માત્ર મતનું તરભાણું ભરાય તેની ચિંતા કરે છે? નવરાત્રિના પર્વમાં પણ બહેન-દીકરીઓ પર થતા બળાત્કાર, વ્યાજખોરો-બૂટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ત્યારે ગુજરાતની સુરક્ષા ભગવાન ભરોસે છે. રાજ્યમાં પ્રજાની સુરક્ષા-સલામતી સાથે સબ સલામતના દાવો કરતી ભાજપ સરકારના રાજમાં વાસ્તવિકતા કંઇક જુદી જ છે.

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની મોટા પાયે ઘટ છે. પોલીસ કર્મચારીઓની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે ત્યારે નાગરિકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થા માટે સત્ત્વરે ભરતી કરવામાં આવે તેમ જણાવી તેમણે ઉમેર્યું છે કે, ગુજરાતના તમામ નાના-મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.