Western Times News

Gujarati News

સ્ટેટસમાં ફરવાના ફોટા મૂકવાનો ફાયદો ચોર ઉઠાવતો હતો

વોટ્‌સએપ સ્ટેટસ જોઈને ચોરી કરતો ચોર પકડાયો

(એજન્સી)રાજકોટ, તહેવારોમાં ફરવા જવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. બહારગામ ગયેલા લોકોના સ્ટેટ્‌સ જોઈને ઘરફોડ ચોરી કરતો ચોર ઝડપાયો છે. જેણે અલગ અલગ બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. ચોરે માત્ર ૩ દિવસની અંદર અલગ અલગ બે ઘરફોડ ચોરીને સ્ટેટ્‌સ જોઈને અંજામ આપ્યો હતો.

રાજકોટ એલસીબી ઝોન ૨ ની ટીમે ચોરને ઝડપી પાડ્યો છે. રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત ૩ લાખ ૭૪ હજારના મુદ્દામાલ સાથે ઈરફાન અલીમિયા કાદરી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જે લોકોના સ્ટેટ્‌સ જોઈને ઘર માલિક ઘર પર નથી તેની માહિતી મેળવતો હતો.

સમગ્ર ઘટના પર નજર કરીએ તો, રાજકોટના નાનામવા રોડ પર દેવનગર શેરી નં.૬ માં રહેતાં રાહુલભાઈ રમેશભાઈ દાફડા પરિવાર સાથે ૪ નવેમ્બરના બપોરના બે વાગ્યે રાજસ્થાન ફરવા માટે ગયેલ હતા. ઘરમાંથી બહાર નીકળતી વખતે તેમને તાળુ મારેલ હતુ. તેઓ જેસલમેર હતા ત્યારે પાડોશમાં રહેતાં સંબંધી મામા અનીલભાઇ વાઘેલાનો ફોન આવ્યો હતો કે તારા ઘરમાં તાળા તુટેલ છે અને ચોરી થઈ છે.

જેથી તેઓ સહપરીવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયેલ અને ઘરે પહોંચી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં પ્રવેશતા હોલમાં પડેલ તેમની માતાની પતરાની તીજોરી, તેમજ રૂમમાં રહેલ પત્નીની પતરાની તીજોરી તુટેલ હાલતમાં હતી. જેમાંથી તસ્કર રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૧૩ મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તસ્કર દેવનગરમાં થયેલ ચોરીના બનાવમાં ફરિયાદીનો મિત્ર છે અને તેઓ જેસલમેર ફરવા જતાં તેઓએ સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે સમૃદ્ધિ આવાસ યોજના ક્વાર્ટરમાં થયેલ ચોરીના બનાવમાં તે ફરિયાદીના બાજુના ક્વાર્ટરમાં જ રહેતો હતો અને પડોશી બહાર ગયા તેવી જાણ થતા જ ચોરીને અંજામ આપ્યો હતો.

છેલ્લા ઘણાં સમયથી શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એલસીબીની ટીમોએ દારૂના ધંધાર્થી પર ઘોંસ બોલાવી છે અને દારૂના ધંધાર્થી હાલ બેકાર બની ગયાં છે અને તસ્કરી જેવાં ધંધે ચડી ગયાં હોય તેવું સામે આવ્યું છે. શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઈરફાન કાદરીનો પણ લાંબા સમયથી દારૂનો ધંધો ઠપ્પ થઈ જતાં બેકારીના કારણે ચોરીના રવાડે ચડયાનું રટણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.