બાંગ્લાદેશમાં ઇસ્કોન નિશાન પર: હિન્દુઓ ભયભીત થયા
કટ્ટરપંથીઓનું શાસન યથાવત
‘ઇસ્કોનના સભ્યોને પકડો, કતલ કરો’ના નારા સાથે પ્રતિબંધ મૂકવાની હિફાઝત-એ-ઈસ્લામની માંગણી
ઢાકા,બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નવી સરકાર તો રચાઇ ગઇ છે. પરંતુ ત્યાં કટ્ટરપંથીઓ જ શાસન ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશમાંથી જે નવી તસ્વીરો જાહેર થઇ રહી છે તેમાં આ બાબત સ્પષ્ટ થાય છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ અગાઉ હિન્દુઓના ઘરો અને દુકાનોને નિશાન બનાવ્યા હતા અને હવે ઇસ્કોનની સામે હિંસાનો નવો દોર શરૂ કર્યાે છે. જાણવાની અને આશ્ચર્યની વાત તો એ છે કે આ હિંસક કટ્ટરપંથીઓને ત્યાંની સેના અને પોલીસનો સાથ પણ મળી રહ્યો છે.બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ સ્થિત ઇસ્લામિક સંગઠન હિફાઝત-એ-ઈસ્લામે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની અને તેના સભ્યોની કતલ કરવાની હાકલ કરી હોવાથી હિન્દુઓ પર ફરી ખતરો ઊભો થયો છે.
બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યા અનુસાર ચટ્ટોગ્રામમાં તાજેતરની રેલી દરમિયાન આ સંગઠને ‘ઇસ્કોનના સભ્યોને પકડો, પછી કતલ કરો’ જેવા હિંસક સૂત્રોચ્ચાર કર્યાં હતાં. તસ્લીમા નસરીનની પોસ્ટમાં ઈસ્કોન સભ્યો સામે ઊભા થયેલા જોખમ પર ભાર મૂકીને જણાવાયું છે કે હિફાઝત-એ-ઈસ્લામે આતંકવાદ માટે હાકલ કરી છે. તેઓ ઈસ્કોનના સભ્યોની કતલ કરવા માંગે છે. શું ઈસ્કોન એક આતંકવાદી સંગઠન છે કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ?” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે હાજરી ધરાવતા ઇસ્કોને ક્યારેય હિંસા ભડકાવી નથી. ઇસ્કોન વિશ્વના ઘણા દેશોમાં હાજરી ધરાવે છે અને તે ક્યાંય પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું નથી, પરંતુ બાંગ્લાદેશમાં આવું જોખમ ઊભું થયું છે.
ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને જેહાદીઓ અન્ય ધર્માેના લોકોને સહન કરી શકતા નથી. દરમિયાન પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બાંગ્લાદેશમાં ઇસ્કોન પર સંગઠિત હુમલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચટ્ટોગ્રામમાં એક રેલીનો વીડિયો શેર કરી જણાવ્યું હતું કે કટ્ટરપંથીઓ એવા નારા લગાવી રહ્યાં છે કે આ બાંગ્લામાં ઈસ્કોન માટે કોઈ સ્થાન નથી.અધિકારીએ ચેતવણી આપી હતી કે જો કટ્ટરપંથીઓ ઇસ્કોન પર હુમલો કરવાની ભયાનક યોજના સાથે આગળ વધશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ વીડિયો આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તે સમયે કટ્ટરપંથીઓએ સાંપ્રદાયિક તણાવને ઉશ્કેરવાના હેતુથી ચટ્ટોગ્રામના તેરી બજારથી ચેરાગી એક રેલી કાઢી હતી.
તેઓ જે નારા લગાવી રહ્યાં હતાં તે સાંભળોઃ ‘આ બાંગ્લામાં ઈસ્કોન માટે કોઈ સ્થાન નથી, ઈસ્કોનને સળગાવી દો, ઈસ્કોનનાં સરનામાં સળગાવી દો, ઈસ્કોનને તોડી નાખો, ઈસ્કોનના સરનામાંને તોડી નાખો.’અહીં ઉલ્લેખનીય છે કે ૫ નવેમ્બરે ઉસ્માન અલી નામના સ્થાનિક વેપારીએ ઇસ્કોનને આતંકવાદી સંગઠન ગણાવતી એક ફેસબુક પોસ્ટ મૂકી હતી. તેનો ચટ્ટોગ્રામના હજારી ગલી વિસ્તારમાં હિન્દુ સમુદાયે વિરોધ કર્યાે હતો અને તે પછી સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. આ પછી પોલીસ અને આર્મીએ સંયુક્ત ઓપરેશન હાધ ધરીને હિન્દુઓ સાથે મારપીટ કરી હતી અને આશરે ૧૦૦ શંકાસ્પદોની ધરપકડ હતી. ss1