ફટાકડા ફોડવા બાબતે પાડોશી સાથે માથાકૂટમાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી
નારોલમાં નજીવી તકરારમાં ઘરમાં ઘૂસી તોડફોડ મામલે ૮ આરોપીની ધરપકડ
અમદાવાદ, નારોલમાં ફટાકડા ફોડવા બાબતે મંદિરના સાધુએ તેના ચેલા સાથે મળીને પાડોશી પરિવાર પર હોકી અને લાકડીઓથી હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. આ અંગે નારોલ પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નારોલમાં પૂજા બંગ્લોઝમાં રહેતા આકાશ ગુપ્તા જમાલપુરમાં કરિયાણાની દુકાન ધરાવી ધંધો કરે છે. ગુરુવારે રાત્રે આકાશભાઈના ઘરે મહેમાન આવ્યા હતા. જે બાદ પરિવાર મળીને ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા.
આ દરમ્યાન પાડોશમાં રહેતા સાધુ જગદીશ મહારાજ અને રોહિત રાજપૂત હાથમાં હોકી અને લાકડી લઈને આવ્યા અને આટલા મોડી રાત્રે ફટકડા કેમ ફોડો છો તેમ કહીને આકાશ અને તેના બહેન અને બનેવી સાથે તકરાર કરીને હોકી અને લાકડી વડે હુમલો કરી દીધો હતો.
બાદમાં પાડોશી સાધુ જગદીશ મહારાજે ફોન કરીને અન્ય લોકોને બોલાવતા દસ માણસો આવ્યા અને આકાશના પરિવાર પર હુમલો કર્યો હતો. લોકો ભેગા થઇ જતા મામલો થાળે પડાવ્યો અને આકાશ અને તેના બનેવીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જગદીશ મહારાજ અને રોહિત રાજપૂત તથા કિરણબેને આકાશના ઘરમાં જઈને માલસામન તથા ફર્નિચરમાં તોડફોડ કરીને નાસી ગયા હતા.
નારોલ પોલીસે જગદીશ મહારાજ, રોહિત રાજપૂત તથા કિરણબેન સામે ગુનો નોધ્યો હતો. પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે. જેમાં જગદીશ મહારાજના માતા ઉમાબેન અને ભાભી કિરણબેનની ધરપકડ કરી છે. ઝડપાયેલા બે લોકો સિક્યુરિટી, મહાવત છે.
આરોપી નમન ફોજદાર હાથીખાનામાં ગાર્ડ છે. અન્ય આરોપી બાદલ નાયક હાથીખાનામાં હાથીની સારસંભાળ રાખતો હતો. ચારેય આરોપી ભારતી આશ્રમના છે. ધર્મપાલ ચૌધરી, નરેન્દ્ર ચૌધરી, દિલીપ ચૌધરી, સુયજ્ઞ ગુજ્જર ભારતી આશ્રમ સેવા તેમજ અભ્યાસ કરતા હતા. ગયા વર્ષે પણ દિવાળીના પર્વમાં બન્ને પરિવાર વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. પરંતુ સમાધાન થઈ ગયું હતું જેથી પોલીસ ફરિયાદ થઈ ન હતી. મહારાજ સહિત અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.