Western Times News

Gujarati News

મકાનોની અગાશી પર ખુલ્લી ટાંકીઓ- ટાયર જેવાં મચ્છરનાં ઉત્પતિ સ્થળો શોધવા ડ્રોનનો ઉપયોગ કરાશે

ડ્રોનની મદદથી મચ્છરોને નાથવાના પાઇલોટ પ્રોજેક્ટનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદ, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોનની મદદથી મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોને શોધવા તેમજ દવા છંટકાવ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉપદ્રવ અટકાવવાની આ આગવી પહેલ કરવામાં અમદાવાદ જિલ્લા પંચાયત મધ્ય ગુજરાતમાં પ્રથમ છે. ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શૈલેષ પરમારની ઉપસ્થિતિમાં આ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લા પંચાયતના આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવ અટકાવવાની કામગીરી ચાંગોદર ગ્રામીણ તેમજ ઔદ્યોગિક વિસ્તાર અને સાણંદના ઔદ્યોગિક વિસ્તારોમાં કરવામાં આવશે.

માણસની પહોંચથી દૂર એવા ઊંચાઈ પરનાં સ્થાનો – અંતરિયાળ સ્થળોએ ડ્રોન પહોંચીને મચ્છર નાબૂદીનું કાર્ય કરશે. મકાનોની અગાશી પર ખુલ્લી ટાંકીઓ, ટાયર, પાણીનાં ખાબોચિયાં જેવાં મચ્છરનાં ઉત્પતિસ્થળો શોધવા ડ્રોન સર્વેલાન્સ કરશે. મચ્છરનાં ઉત્પતિસ્થાનોને ઓળખી ત્યાં દવા છંટકાવની કામગીરી પણ ડ્રોન કરશે.

એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીથી ડ્રોન મચ્છરનાં ઉત્પતિસ્થળોને આપોઆપ આઇડેન્ટીફાઈ કરી લેશે, આવાં તમામ સ્થળો અને મચ્છર નાબૂદી કામગીરીનો ડેટા લાઈવ અપડેટ થશે.

મચ્છરનાં ઉત્પતિસ્થાનોની જાણ મકાન માલિક, ફેક્ટરી માલિકને પણ તુરંત કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડ્રોનના કાર્ય વિસ્તારની રેડિયસ (ત્રિજ્યા) ૨૫ કિમી નિયત કરવામાં આવી છે, ડ્રોન તેની સિંગલ ફ્‌લાઈટમાં ૧૦ લીટર જેટલી દવા લઈને ઉડાન ભરી શકે છે.

આ ડ્રોન મચ્છરનાં ઉત્પતિસ્થાનોના હાઇ રિઝોલ્યુશન ફોટોગ્રાફ લેવા, પાણી ભરાયા હોય તેવાં સ્થળોને ઓળખવાં, તેને માર્ક કરવાં, તેમજ જે તે સ્થળના કોર્ડિનેટ નોંધવા માટે સક્ષમ છે અને તે માટેની એઆઈ ટેકનોલોજીથી સજ્જ છે. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ હવે ડ્રોન ટીમને સાથે રાખી રિમોટ સ્થાનો, દુર્ગમ સ્થળોનું સર્વેલાન્સ કરશે અને મચ્છરનાં ઉત્પતિસ્થાનોને નાબૂદ કરશે, જેથી વાહકજન્ય રોગચાળાને અટકાવવાની કામગીરી સુદ્રઢ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.