વૃદ્ધ પિતાએ પુત્રીના આપઘાતની ફરિયાદ પુણેથી ઘાટલોડીયા પોલીસને ફોનથી જાણ કરી
પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ માતાને મેસેજ કરી આપઘાત કર્યાે
અમદાવાદ, પુણેથી એક વૃદ્ધનો ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો અને કહ્યું કે મારી દીકરીને ફોન સ્વીચઓફ છે અને તેણે આપઘાત કર્યાે છે. પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનને ગંભીરતાથી લઈને ઘાટલોડિયા પોલીસની ટીમ ઘાટલોડિયાના સંકલ્પ રો હાઉસના મકાન નંબર ૧૧માં પહોંચી જ્યાં એક પરિણીતાની લાશ મળી આવી હતી.
પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કર્યાે છે અને મરતાં પહેલાં તેણે તેની માતાને વોટ્સએપ મેસેજ કર્યાે હતો કે મમ્મી બેડ કે નીચે સ્યુસાઈડ નોટ રખા હૈ, પુલિસ પૂછે તો બતા દેના. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલા લક્ષ્મી નંદનવન એપાર્ટમેન્ટમાં ૬૮ વર્ષીય સુરેશચંદ્ર મિશ્રાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જમાઈ ગિરિરાજ શર્મા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે.
સુરેશચંદ્ર પત્ની સવિતાબહેન, પુત્ર અભિજિત, પુત્રવધૂ અને પૌત્ર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. સુરેશચંદ્રની દીકરી પલ્લવીનાં લગ્ન વર્ષ ૨૦૧૨માં પુણે ખાતે રહેતા શરદ જોશી સાથે થયાં હતાં.
પલ્લવીને ૧૧ વર્ષનો દીકરો વરદ પણ છે. વર્ષ ૨૦૧૯માં પલ્લવીએ ડાબી આંખ પાસે ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું, જે બાદ શરદ તેને લેવા માટે આવ્યો નહીં અને તેની કોઈ દરકાર પણ લીધી નહીં. શરદ પલ્લવીને રાખવા માગતો ન હોવાથી વર્ષ ૨૦૨૧માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ પલ્લવી અને વરદ સુરેશચંદ્ર સાથે રહેતાં હતાં.
સુરેશચંદ્રએ પલ્લવીનાં બીજાં લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું હતું અને જીવનસાથી ડોટ કોમ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઈટ પર સર્ચ કરતા હતા ત્યારે ગિરીરાજ શર્માની પ્રોફાઈલ જોવા મળી હતી.
ગિરિરાજ શર્મા સુરેશચંદ્રના સમાજનો થતો હોવાથી તેમણે પલ્લવીનાં લગ્ન માટે સંપર્ક કર્યાે હતો. ગિરિરાજ સાથે દોઢ વર્ષથી સુરેશચંદ્રની વાતચીત ચાલુ હતી અને પલ્લવીને થયેલી બીમારી માટેની પણ વાત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં ગિરિરાજ શર્મા રમેશચંદ્રના ઘરે આવ્યા હતા અને રૂબરૂમાં વાતચીત કરી હતી.
ગિરિરાજ શર્માનાં પણ પહેલાં લગ્ન થયાં હતાં, જેમાં તેમને બે બાળકો હોવાની તેમણે વાત કરી હતી. ગિરિરાજ અમદાવાદ ખાતે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હોવાનું કહ્યું હતું. રમેશચંદ્રએ પલ્લવીની મુલાકાત ગિરિરાજ સાથે કરાવી હતી. બંને એક બીજાને પસંદ આવતાં અંતે તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.
ગિરિરાજે લગ્ન પહેલાં રમેશચંદ્રને ખાતરી આપી હતી કે તે પલ્લવીને સારી રીતે રાખશે અને તેની સારવાર કરાવશે. ગિરિરાજ અને પલ્લવીએ એક બીજા સાથે ફોન પર વાતો કરવાની શરૂ કરી દીધઈ હતી. દરમિયાનમાં ગિરિરાજે પલ્લવીને અમદાવાદ આવવા માટે આગ્રહ કર્યાે હતો અને તેને અહીં નોકરી મળી જશે તેવું પણ કહ્યું હતું. રમેશચંદ્રએ પલ્લવીને ગિરિરાજ પાસે માર્ચ મહિનામાં મોકલી દીધી હતી.
ગિરિરાજ અને પલ્લવી બંને સાથે રહેવા લાગ્યા હતાં. બાદમાં રમેશચંદ્ર પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા, જ્યાં ૨૭ માર્ચના રોજ પલ્લવી અને ગિરિરાજનાં લગ્ન કરાવી દીધાં હતા. લગ્ન બાદ ૧ એપ્રિલના રોજ બંનેએ કોર્ટમાં પણ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ રમેશચંદ્ર પત્ની સાથે પરત પુણે જતા રહ્યા હતા. લગ્નના એક મહિના બાદ પલ્લવીનો પિતા પર ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે ગિરિરાજ ઘરમાં નાની નાની બાબતે બબાલ કરે છે, શાકભાજી લેવા કે અન્ય કામથી બહાર જાઉં તો પણ શંકા કરે છે.