ઉમરેઠના ચકચારી દુષ્કર્મ કેસમાં DNA ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરાઈ
(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટનાને લઈને પંથકમા ચકચાર મચી જવા પામી છે.
યુવતીના પિતા દ્વારા કરાયેલા આક્ષેપની સત્યતા તપાસવા માટે પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ઘરાઈ છે. જે રીપોર્ટનાં આધારે આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ લાલ દરવાજા પાસેનાં ખાડા વિસ્તારમાં રહેતી એક ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતીને બે દિવસ અગાઉ સવારના સુમારે બાથરૂમ જતી વખતે કસુવાવડ થઈ જતાં નવજાત શિશુ (પુરૂષ બાળક)નો જન્મ થયો હતો.
જો કે યુવતીને વધારે પડતું બ્લીડીંગ થઈ જતાં તેણીને પ્રથમ નડીઆદ અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. બીજી તરફ નવજાત શિશુને રામ તળાવના કિનારે તરછોડી દેતાં તેનું મોત થયું હતુ. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી.
બીજી તરફ યુવતીના પિતા એ પુજારી દ્વારા તેમની પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાને કારણે તેણીને ગર્ભ રહી ગયો હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે, યુવતીના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, મંદિર બન્યું ત્યારથી તેમનો પરિવાર મંદિરમા કામકાજ અર્થે જતો હતો. ટિફિન લેવા માટે જતી તેમની ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ પુત્રીને પુજારીએ પોતાની હવશનો શિકાર બનાવી હતી અને ચપ્પુ બતાવીને આ જો આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.
જેને લઈને પોલીસ દ્વારા મનોદિવ્યાંગ યુવતીની પુછપરછ હાથ ધરાઈ છે. જો કે તેણીની તબિયત સ્થિર ના હોય આ બાબતે કોઈ સ્પષ્ટતા થતી નથી જેને લઈને ઉમરેઠ પોલીસ દ્વારા મળી આવેલા નવજાત શિશુ અને પુજારીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ડીએનએ ટેસ્ટમાં જો નવજાત શિશુનો પિતા પુજારી નીકળશે તો તેના વિરૂદ્ધ દુષ્કર્મની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. BAPS