મણિપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ૧૧ ઉગ્રવાદી ઠાર
મણિપુર, સુરક્ષા દળોએ મણિપુરના જિરિબામ જિલ્લામાં પોલીસ સ્ટેશન અને સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કરનારા ૧૧ શંકાસ્પદ ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે.
આધુનિક શસ્ત્રોથી સજ્જ છેતરામણા યુનિફોર્મમા આવેલા ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફના બે જવાનને ઇજા થઈ હતી.ઉગ્રવાદીઓના ખાતમાને પગલે કુકી-ઝો કાઉન્સિલે મંગળવારે પહાડી વિસ્તારોમાં સવારે પાંચથી સાંજે છ વાગ્યા સુધી સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે.
આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ હુમલામાં જકુરાધોર કારોંગ બજારની આસપાસ આવેલી ઘણી દુકાનો અને ઘરોને આગ ચાંપી હતી, જે બોરોબેક્રા પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર દૂર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ વળતા જવાબ સાથે ગોળીબાર કર્યાે હતો.
જેમાં ૧૧ આતંકવાદીઓના મોત થયા હતા. મણિપુર પોલીસે એક્સ પર જણાવ્યું હતું કે, “આજે ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે લગભગ ત્રણ વાગ્યે જકુરાધોર અને બોરોબેક્રા પોલીસ સ્ટેશન ખાતેની સીઆરપીએફ પોસ્ટ પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યાે હતો.
જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. હુમલાને પગલે એક સીઆરપીએફ કોન્સ્ટેબલ સંજીવ કુમારને ગોળીથી ઇજા થઈ હતી. તેમને સારવાર માટે સિલ્ચર મેડિકલ કોલેજ ખેસડાયા છે.” પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “સીઆરપીએફ અને પોલીસે આતંકવાદીઓના ગોળીબારનો લગભગ ૪૦-૪૫ મિનિટ સુધી જવાબ આપ્યો હતો.
ત્યાર પછી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ગોળીબાર બંધ થયા પછી સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી ત્યારે સશસ્ત્ર આતંકવાદીઓના ૧૦ શબ મળ્યા હતા. ઘટનાને પગલે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરાઈ છે.”
મણિપુરની પોલીસે કહ્યું હતું કે, “આતંકવાદીઓના ખાતમા માટે ઓપરેશન ચાલુ છે. આસામ રાઇફલ્સ, સીઆરપીએફ અને સિવિલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.” કુકી-ઝો કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જિરિબામ ખાતેની કરુણ ઘટનામાં સીઆરપીએફના જવાનો સાથેની અથડામણમાં આપણે ૧૧ કુકી-ઝો ગ્રામ્ય સ્વયંસેવકો ગુમાવ્યા છે. મૃતકોના માનમાં કુકી-ઝો કાઉન્સિલે આવતીકાલે સવારે પાંચથી સાંજે ૬ વાગ્યા સુધી સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. ગોળીબારમાં માર્યા ગયેલા મૃતકો માટે અમે સામૂહિક શોક વ્યક્ત કરીએ છીએ.” નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, “કુકી-ઝોના કીમતી જીવનનુ નુકસાન તેમના પરિવારો ઉપરાંત, સમગ્ર કુકી-ઝો સમાજ માટે મોટો ફટકો છે. આઝે થયેલી હિંસાની અમ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે ઘટનાની સઘન તપાસ પછી દોષિતોને પકડી તાત્કાલિક સજા આપાવની માંગ કરીએ છીએ.”અધિકારીઓના જણાવ્યા અનુસાર રાહત કેમ્પ પોલીસ સ્ટેશનના સંકુલમાં હતો. જેમાં રહેતા પાંચ લોકો ગુમ થયા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે આ નાગરિકોનું ઘટના સ્થળેથી ભાગી છૂટેલા આતંકવાદીઓએ અપહરણ કર્યું છે કે નહીં. તેમની તપાસ ચાલુ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ અપાયા હતા. આદેશમાં જણાવ્યા અનુસાર “કેટલાક અસમાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે વિસ્તારની શાંતિ અને લોકોની સુરક્ષા વ્યાપકપણે જોખમાવાની આશંકા છે.