ગંદકી કરનાર લોકોને પાંચ હજારથી પાંચ લાખનો દંડ
જાહેરમાં કચરો ફેંકનારા કે ગંદકી ફેલાવનારા તત્વો વિરૂદ્ધ કોર્પોરેશન વિશેષ અભિયાન ચલાવી કઠોર કાર્યવાહી કરશે |
અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ઐતિહાસિક અને આકરા નિર્ણયના ભાગરૂપે હવેથી અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી ફેલાવનારા તત્વો સામે રૂ.પાંચ હજારથી લઇ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે, જેને લઇ હવે ગંદકી ફેલાવનારા તત્વોની હવે ખેર નથી. મ્યુનિસિપલ કમિશનર નેહરાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા કે કચરો ફેંકનારા તત્વોને આઇડેન્ટીફાય કરાશે અને તેઓ વિરૂધ્ધ સ્પેશ્યલ ઝુંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે. અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આ પ્રકારના આકરા નિર્ણય કરવા જરૂરી છે.
આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગંદકી અને જાહેરમાં ગંદકી ફેલાવનારા તત્વોને રંગેહાથ ઝડપી લેવા માટે ખાસ ઝુંબેશ અને અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ માટે અમ્યુકો સત્તાધીશો દ્વારા ખાસ કર્મચારીઓ અને અધિકારીઓને જવાબદારીની ફાળવણી કરવામાં આવશે. એટલું જ નહી, શહેરના જે વિસ્તારોમાં અને જગ્યાઓ પર અમુક ચોકક્સ લોકો કે તત્વો દ્વારા જાહેરમાં ગંદકી અને કચરો ફેંકવામાં આવે છે તેવા લોકોને આઇડેન્ટીફાય કરાશે અને તેઓને રંગેહાથ પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. હવેથી અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા કે જાહેરમાં કચરો ફેંકનારા તત્વો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા રૂ.પાંચ હજારથી લઇ પાંચ લાખ રૂપિયા સુધીનો આકરો દંડ વસૂલવામાં આવશે.
અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમછતાં જાહેરમાં ગંદકી ફેલાવી કે કચરો ફેંકી શહેરને બગાડનારા તત્વો પર હવે આગામી દિવસોમાં ભારે તવાઇ આવશે તેનો સાફ સંકેત આપતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઉમેર્યું કે, અમ્યુકો સત્તાધીશો દ્વારા આગામી દિવસોમાં આ સમગ્ર મામલે ખાસ ઝુંબેશ શરૂ કરી શહેરના સંબંધિત વિસ્તારો અને જગ્યાઓ પર ખાસ વોચ પણ ગોઠવવામાં આવશે.
શહેરના જાગૃત નાગરિકો અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવામાં અને સફાઇ અભિયાનમાં સારો એવો સહકાર આપી રહ્યા છે પરંતુ અમુક લોકો આ અગત્યના મુદ્દાને લઇ ગંભીર બેદરકારી અને જાણીબુઝીને ઇરાદાપૂર્વક સ્વચ્છતાની જાળવણી કરી રહ્યા નથી અને ઉલ્ટાનું શહેરમાં ગંદકી ફેલાવી જાહેરમાં કચરો ફેંકી શહેરની સુંદરતા અને સ્વચ્છતા બગાડી રહ્યા છે ત્યારે હવે આવા બેજવાબદાર અને શહેરમાં અસ્વચ્છતા ફેલાવનારા તત્વોને નાથવા માટે અમ્યુકો દ્વારા આગામી દિવસોમાં સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે.