Western Times News

Gujarati News

ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોનો શિકાર બન્યા: 27.72 લાખની છેતરપિંડી

હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી

જામનગર, જામનગરમાં ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેમાં દરેડના વેપારી સાથે રૂપિયા ૨૭.૭૨ લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

શહેરમાં રહેતા અને દરેડમાં કારખાનું ધરાવતા એક ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોના છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને રૂપિયા ૨૭.૭૨ લાખનો માલ સામાન ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યા પછી તેની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગરમાં રહેતા તેમજ દરેડ વિસ્તારમાં પ્લોટ નંબર ૩૨૪૦ એમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટનું કારખાનું ધરાવતા રામ નિવાસ પૂખરાજ દેવરા નામના ઉદ્યોગપતિ કે જેઓને તાજેતરમાં ઓનલાઈન પરચેસિંગના માધ્યમથી કોઈ ભેજાબાજોએ પોતાનું નામ કલ્પેશ જોશી અને પોતે હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી હતી, અને તે અંગેના ખોટા દસ્તાવેજ વેપારી પેઢીને મોકલ્યા હતા.

જામનગરના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા ૨૭.૭૨ લાખની કિંમતની ૮૩૩.૫૦ કિલોગ્રામની ટીન ઈંગોટ નામની પ્રોડક્ટ તૈયાર કરીને મંગાવી હતી. જેથી વેપારી પેઢી દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે ઉપરોક્ત કંપનીને મોકલી દેવાયો હતો. જે માલ સામાન પહોંચી ગયા બાદ જામનગરના વેપારી દ્વારા ઉપરોક્ત રકમની માંગણી કરાતા પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ વગેરે બ્લોક કરી દીધા હતા, અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.

આથી વેપારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસ કરાવી હતી, જયારે પોલીસની પણ મદદ દીધી હતી, જેમાં પોતાની સાથે ઇન્ડિયા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ૨૭,૭૨,૦૫૭ ની છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.