કેનેડામાં મંદિરોનો કાર્યક્રમ રદ; હિંસક પ્રદર્શનનો ખતરો
(એજન્સી)કેનેડા, કેનેડાના બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરના કોન્સ્યુલર કેમ્પમાં ૩ નવેમ્બરે ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. જે બાદ ત્યાં હિંસા થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિંસાની ટીકા કરીને કેનેડાના સત્તાધીશોને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
કેનેડાએ બ્રેમ્પટન ત્રિવેણી મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરે રવિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત જીવન પ્રમાણ પત્ર વિતરણ સમારોહ રદ્દ કરી દીધો છે. ખાલિસ્તાની ધમકીઓને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે. ભારતીય મૂળના હિન્દુઓ અને શીખોને જરૂરી જીવન પ્રમાણપત્ર રિન્યૂ કરાવવા માટે ૧૭ નવેમ્બરે કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રેમ્પટન ત્રિવેણી મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા આયોજીત જીવન પ્રમાણપત્ર વિતરણ સમારોહને રદ્દ કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસને મળેલી ગુપ્ત સત્તાવાર જાણકારી મુજબ, જો કાર્યક્રમ થાય તો તેમાં હિંસાત્મક પ્રદર્શન થવાનો ખતરો હતો. જેથી આ ફેંસલો લેવામાં આવ્યો છે.સામુદાયિક કેન્દ્રએ પીલ પોલીસને બ્રેમ્પટન ત્રિવેણી મંદિર સામેના જોખમોની નોંધ લેવા અને હિન્દુ સમુદાયની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. મંદિર પ્રશાસને કહ્યું અમે આ કાર્યક્રમ પર નિર્ભર સમુદાયના તમામ સભ્યોની માફી માંગીએ છીએ.
અમને ખેદ છે કે કેનેડિયન લોકો અહીંના મંદિરોની મુલાકાત લેવાનું અસુરક્ષિત અનુભવે છે. અમે પીલ પોલીસને જાણ કરી હતી અને કેનેડામાં હિંદુ સમુદાયની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. પરંતુ સુરક્ષાની કોઈ ખાતરી ન મળતાં કાર્યક્રમે કેન્સલ કરવો પડ્યો છે.
કેનેડાએ ગત વર્ષે ખાલિસ્તાનીદ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દશો વચ્ચે સંબંધ તણાવભર્યા છે. ભારતે કેનેડાની સરકારના આરોપો ફગાવી દીધા હતા.