વડોદરામાં બિઝનેસ લોનના બહાને યુવક સાથે ર.૮પ લાખની છેતરપિંડી
ચેક બાઉન્સ થતાં યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ
વડોદરા, વડોદરામાં સવા કરોડની બિઝનેસ લોન આપવાના નામે બે ભેજાબાજોએ વડોદરાના યુવક પાસેથી રૂ.ર.૮પ લાખ પડાવી લેતા આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે ડભોઈ રોડ પર રહેતા યુવાને અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ ર૦૧૮માં હું શ્રી હરી ઈન્ડસ્ટ્રી નામથી ડભોઈ તાલુકાના કૂઢેલા ગામે ઘઉં દળવાની મિલ ચલાવતો હતો અને મારે લોનની જરૂરિયાત પડતાં મારા ઓળખીતા ચેતન બોરસેનો સંપર્ક કર્યો હતો અને તેણે વર્ષ ર૦ર૦માં મને ત્રણ લાખની લોન કરાવી આપી હતી. બાદમાં ધંધો વિકસાવવા વધુ રૂપિયાની જરૂરિયાત હોવાથી મી.ચેતન બોરસેનો સંપર્ક કર્યો હતો.
ચેતને કહ્યું હતું કે, મેં અને મિતુલ ગાંધીએ પાર્ટનરમાં સ્વયં ફાયનાન્સ નામની ઓફિસ શરૂકરી છે ત્યાં આવીને ડોકયુમેન્ટ્સ આપી જાવ. મ ને એકથી સવા કરોડની બિઝનેસ લોન પાંચથી છ મહિનામાં કરી આપવા જણાવ્યું હતું તેમજ મને ડોકયુમેન્ટ્સ સબમીટ કરવાના, કાગળોનો ચાર્જ તેમજ મહેનતાણું સાથે લોનના ૮ ટકા આપવા જણાવ્યું હતું.
જેમાં ૪ ટકા એડવાન્સ અને ૪ ટકા લોન થયા બાદ આપવાનું નક્કી કર્યું હતું. તા.૧૭-ર-ર૦રરથી ડિસેમ્બર ર૦રર સુધી લોન કરાવવા પેટે મિતુલ ગાંધીને રૂ.૧.૭પ લાખ અને ચેતન બોરસેને રૂ.ર.૧૦ લાખ આપ્યા હતા. પરંતુ આજદિન સુધી લોન કરાવી આપી ન હતી. પૈસા પરત માંગતા મિતુલ ગાંધીએ રૂ.૧ લાખ આપ્યા હતા જ્યારે બાકીની રકમ માટેના ચેક બાઉન્સ થતાં આરોપીઓએ રૂ.ર.૮પ લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસ બન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.